"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening

Image
"સંધ્યા સંગાથે" જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!” જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે.  સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે. દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગી...

તસ્મૈ શ્રી ગુરુવે નમઃ || ગુરૂપૂર્ણિમા..


તસ્મૈ શ્રી ગુરુવે નમઃ 


गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः ।
गुरूर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ।।

ગુરુપૂર્ણિમા એટલે ગુરુઋણ માંથી મુક્ત થવાનો દિવસ. જીવનમાં જે પણ ઊંચાઈઓ સર કરી હોય એમાં ઘણા બધા લોકોનું ઋણ રહેલું હોય છે. એમાનું એક ઋણ એટલે ગુરુઋણ..

માતા-પિતા જન્મ આપે છે, જ્યારે ગુરુ જીવન આપે છે. પરમાત્મા સુધી પહોચવાની યાત્રામાં ગુરુ કડીરૂપ છે.

શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : 

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया |
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ||4.34||

અર્થાત સદગુરુને શરણે જઈ સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.

ભગવદ સંબંધી જ્ઞાન માટે ગુરુનું શરણ સ્વીકારવું શા માટે જરૂરી છે ? ઉપરોક્ત શ્લોકમાં બતાવ્યું એ મુજબ ગુરુએ જે સત્યને પોતામાં ઉતાર્યું છે, એ સત્યને જોવાનો અને જાણવાનો દ્રષ્ટિકોણ ગુરૂ જ આપી શકે છે.

વાલીયા લુંટારાએ ચોરી, લૂંટફાટ જેવા અનેક કુકર્મો કર્યા હતાં પણ નારદજી જેવા સદગુરુના વચને એ બધાનો ત્યાગ કરી પ્રભુનામ સ્મરણમાં ખોવાઈ ગયા તો આજે વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ તરીકે ઇતિહાસમાં અમરત્વને પામી ગયા.

છત્રપતિ શિવાજી મહારાજ, પાંડુપુત્ર અર્જુન, આરુણી અને એકલવ્યના શિષ્યત્વથી આજે કોણ અજાણ છે..! 

ગામથી થોડે દૂર એક આશ્રમ હતો. એ આશ્રમમાં ગુરુ અને શિષ્ય બે જણા રહેતા. સાંજ થાય એટલે શિષ્ય ગામમાં જઈ અને ભિક્ષાવૃત્તિ કરી આશ્રમમાં પરત ફરે. રસોઈ તૈયાર કરી પછી ગુરુને જમાડી અને છેલ્લે પોતે જમે. રાત્રે ગુરુ સુવે પછી સુવે અને ગુરુ ઉઠ્યા પહેલા સવારમાં ઉઠી જાય. આશ્રમનું કામકાજ આટોપી અને પછી ગુરુ પાસે વિદ્યાગ્રહણ કરવા બેસે. આ દરરોજનો નિત્યક્રમ. 

શિષ્યની ગુરુભક્તિ જોઈ ગુરુ શિષ્ય પર પ્રસન્ન થઈ ગયાં.

એક રાતે આશ્રમમાં ગુરુ અને શિષ્ય સૂતેલાં. એમાં દૂરથી એક સાપ આશ્રમ તરફ ચાલ્યો આવે. ગુરુ તો સમર્થ હતા, એટલે તરત ગુરુની આંખ ખુલી ગઈ અને જોયું તો એ સાપ પોતાનો શિષ્ય જ્યાં સૂતેલો એ તરફ આવતો હતો. ગુરુએ તરત હાથમાં જળ લઈ અને સર્પ પર છાંટ્યું એટલે એ સર્પ ત્યાં જ સ્થિર થઈ ગયો, આગળ ન આવી શક્યો.

ગુરુ સર્પની પાસે જઈને ઊભા રહ્યા અને પૂછ્યું, " તું કોણ છે? તું અહીં શા માટે આવ્યો છે? "

સર્પે કહ્યું, " હું તમારા શિષ્યનો કાળ છું. એના પૂર્વજન્મનો વેરી છું. હું મારું વેર લેવા માટે આવ્યો છું. મારે તમારા શિષ્યના ગળાનું લોહી જોઈએ છે.."

ગુરુએ કહ્યું, " એ શિષ્ય મારા શરણે છે, માટે તું એનો જીવ નહીં લઈ શકે. પણ હું તને એના ગળાનું લોહી આપી દઉં તો..?? "
 
સર્પે કહ્યું, " મારે તો બસ એનાં ગળાનું લોહી જોઈએ છે, એ જો તમે લાવી આપતા હોવ તો હું પાછો ચાલ્યો જાઈશ.."

શિષ્ય સૂતેલો. એને આ વાતની કાંઈ જ ખબર નહિ. ગુરુ એક અણીદાર કાંટો હાથમાં લઈ અને શિષ્યના પેટ પર જકડીને બેસી ગયા. શિષ્યની આંખ અચાનક ખુલી ગઈ. જોયું તો, ગુરુ પેટ પર હાથમાં કાંટો લઈ બેઠેલા. શિષ્યએ કાંઈ પણ વિચાર્યા કે બોલ્યા વગર તરત આંખો બંધ કરી અને પહેલાની જેમ સુઈ ગયો. ગુરુએ ગળુ પકડી અને કાંટાની અણી વડે રક્ત લઈ પેલા સર્પને પર્ણમાં આપી દીધું. એટલે એ સર્પ ત્યાંથી પાછો ચાલ્યો ગયો. 

થોડીક જ ક્ષણોમાં ગુરુએ પોતાની વિદ્યા વડે શિષ્યના ગળાની વેદના મટાડી દિધી.. છતાં પણ શિષ્ય તો પોતાની મસ્તીમાં જ હતો, એને આ બાબતે ગુરુને કાંઈ પણ પૂછ્યું નહીં !

આ ઘટનાને એક દિવસ થયો, બે દિવસ થયા, અઠવાડિયું થયું, મહિનો થયો, ત્રણ મહિના થયા, છ મહિના થયા પણ શિષ્યે એ બાબતે ગુરુને કાંઈ જ ન પૂછ્યું. પછી ગુરુથી ન રહેવાયું એટલે ગુરુએ સામેથી શિષ્યને પૂછ્યું, " વત્સ ! થોડા મહિના પહેલા મેં તારા ગળામાં અણીદાર કાંટો ઘૂંસાડી અને તારા ગળાનું રક્ત લીધેલું. તને એ વિશે કાંઈ સંકલ્પ ન થયો કે ગુરુએ આવું કેમ કર્યું હશે..?? "

" હે ગુરુવર ! મેં તમારૂ શરણુ સ્વીકાર્યું છે. તમે મારા ગુરુ છો, તમે જે પણ કાંઈ કરતા હશો એ બધું મારા સારા માટે જ હશે.."

આ જવાબ સાંભળી ગુરુનું હૃદય શિષ્ય પર વરસી ગયું. 

" માંગ..! વત્સ માંગ.."

" ના..! ગુરુવર મારે કાંઈ નથી જોઈતું.. "

છતાં પણ ગુરુ રાજી થઈ ગયા એટલે બધી જ વિદ્યા આપોઆપ શિષ્યમાં આવી ગઈ અને એ પરમાત્માને પામી ગયો.

गुरु गोविन्द दोऊ खड़े , काके लागू पाय |
बलिहारी गुरु आपने , गोविन्द दियो बताय ||

તમે કોઈપણ મહાનુભાવોના જીવન તપાસો; એમને મળેલી સફળતામાં ગુરુનો જ સિંહફાળો હશે. એ ચાહે પછી મહાત્મા ગાંધી હોય, શિવાજી મહારાજ હોય કે પછી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હોય...

વિદ્યા સંપાદન માટે ભગવાન શ્રી રામજીએ ઋષિ વશિષ્ઠમુનિને ગુરુ તરીકે ગ્રહણ કર્યા, ભગવાન શ્રીકૃષ્ણએ ઋષિ સાંદિપનીમુનિને ગુરુ તરીકે સ્વીકાર્યા અને ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ સદ્. શ્રી રામાનંદ સ્વામીનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો.

સ્વયં પરમાત્માએ એમના જીવનથી આપણને શીખવ્યું છે કે, જીવનમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે. એ ચાહે પછી ભૌતિકમાર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ...

કવિ સમ્રાટ શ્રીજીસખા સદ્. શ્રી બ્રહ્માનંદ સ્વામીની કલમે અદભુત સંદેશો આપ્યો છે -

"ગુરુ બીન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં.."



~MEET BHAGAT 








Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."