પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.
જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી,
છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી..
"તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે;
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.."
પદ્મશ્રી ખલીલ ધનતેજવી
સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે
એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી !
આ વરહના વૈશાખમાં આકાશને
આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર
તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો
પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ, શેરીઓ, સોસાયટીઓ સૂમસામ સુતેલી
હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી
નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો
રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે.
વૃક્ષો વાવો અને વૃક્ષો
બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે
પરંતુ આ પરજા એમ શેની ગણકારે!! ઓવર કોન્ફિડન્સના ભૂતે આ વખતે ટ્રેલર તો દેખાડી જ
દીધું છે, જો હજુયે ના ગણકાર્યુ તો પિક્ચર જોવાની તૈયારી રાખજો.
પૈસા કમાવાની આંધળી દોટે
અને વિકાસ ડેવલોપમેન્ટના ભવ્ય ઇન્ફાસ્ટ્રક્ચરની ઘેલછાએ ધરતી પરથી વૃક્ષો ઉખેડી
મૂક્યા છે. વૃક્ષો ઘટતા જાય છે ને વાહનો વધતા જાય છે પરિણામે વાતાવરણમાં પ્રદૂષણને
મોકળાશ મળવાની એ વાત નિશ્ચિત છે. ઓઝોન સ્તર ઘટ્યું તેના બદલામાં ત્વચાના રોગોનું
પ્રમાણ વધ્યું. એવો વિકાસ શા કામનો જેમાં જીવન જ જોખમમાં ઝોલા ખાતું હોય !
ગુજરાતમાં છેલ્લા આઠ
વર્ષથી ટ્રી કવરમાં ૨૮૪૦ ચો.કિ.મી.નો ઘટાડો થયો છે. ભાવીપેઢીના વારસદારોને માત્ર
પ્રોપર્ટી વારસામાં આપીને શું કરીશું, કાળઝાળ ગરમીનો ભોગ બની હિબકે હિબકે શ્વાસ લઈ જિંદગી
પૂરે કરે એનો શો અર્થ ??
આપણી ભારતીય સંસ્કૃતિમાં
વૃક્ષોનો મહિમા ખૂબ જ વર્ણવાયો છે. વટ સાવિત્રીના વ્રતમાં વૃક્ષ ફરતે મંત્રોચ્ચાર
સાથે દોરો બાંધી પ્રાર્થના કરવા જેવી પરંપરાગત પ્રણાલીઓ લુપ્ત થતી જઈ રહી છે જેના
કારણે પર્યાવરણ પર વિનાશક જોખમ ઊભું થયું છે.
છાંયડો સૌ કોઈને જોઈએ છે
પરંતુ છાંયડો આપનારને નષ્ટ કરવામાં અવ્વલ નંબરે..! કેવું કે'વાય નઈ; વૃક્ષ બધાને વાપરવું છે પણ
વાવવું કોઈને નથી.
પર્યાવરણ પ્રેમીઓ જાગૃતિ
માટેના ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ અમુક મરદના ફાડિયા ૪૦૦૦૦નું AC લગાવશે પણ વૃક્ષો તો નહીં
જ વાવે.! એવા ખાનદાની વટને ખરેખર દાદ આપવાનું મન થાય!!
કાળઝાળ ગરમીના એંધાણ
માત્રથી જો પરસેવે રેલમછેલ થઈ જતાં હોય તો ગરમીનો પારો વધુ ઉપર ચડશે ત્યારે શું
પરિસ્થિતિ સર્જાશે? હજુયે મોડું નથી થયું. પર્યાવરણને પોષણ આપવામાં વૃક્ષોનો મુખ્ય ફાળો છે.
હવે તો બંધારણમાં એવા
નિયમો ઉમેરાવાં જોઈએ કે
- જે ૧૮ વૃક્ષ વાવી ઉછેરી
મોટા કરે એને જ લાયસન્સ મળવાપાત્ર છે.
- રાજ્યમાં જેટલા જિલ્લાઓ છે
એટલા વૃક્ષો રોપી
મોટા કરે એ નેતાને જ ટિકિટ મળશે.
- સરકારી કે પ્રાઇવેટ જોબ
માટે દસ વૃક્ષારોપણ કર્યાનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે.
જેમ કોરોનાકાળમાં રસી
લીધાનું પ્રમાણપત્ર જરૂરિયાત બની ગયેલું એમ વૃક્ષો વાવીને ઉછેર્યાનું પ્રમાણપત્ર
પ્રત્યેક નાગરિક પાસેથી અપેક્ષિત કરવામાં આવે તો કદાચ પરાણે પરાણેય પર્યાવરણનું
જતન થાય બાકી માનવ બુદ્ધિ આપોઆપ જાગૃતિ કેળવશે એ આશા વહેલી છોડીએ એટલો વહેલો
ફાયદો.
જોકે હવે તો અમદાવાદ જેવા
શહેરોમાં નવી બિલ્ડીંગ ઉભી કરવા માટે એ વિસ્તારમાં અમુક ટકા વૃક્ષો હોય તો જ
પરવાનગી મળશે અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા દ્વારા લેવાયેલ
નિર્ણયમાં IPL મેચ દરમિયાન એક ડોટ બોલ પર ૫૦૦ વૃક્ષનું વાવેતર કરવું જેવા નિર્ણયો ખરેખર પ્રશંસન્ય
છે.
વન મહોત્સવ, સ્પેશિયલ કોન્પોનન્ટ
પ્રોગ્રામ એન્વાયરમેન્ટ અને આશ્રમશાળા જેવા મહોત્સવમાં શહેરોના એજ્યુકેટેડ પર્સનથી
માંડી છેવાડાના વિસ્તારમાં રહેતો ગામડિયો માણસ જોડાય એ ખૂબ જરૂરી છે.
વિશ્વ પર્યાવરણ દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દેખાવ
માટે ફોટોસ પૂરતા સીમિત રહી ગયા છે. વૃક્ષારોપણના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ
કર્યા પછી એ વૃક્ષની સંભાળ લેનાર જૂજ લોકો જ મળે.
મારા એક વૃક્ષથી શું
થવાનું? એ ભ્રમ ભૂલી સહુ સધિયારો પ્રયાસ કરીશું તો કાળઝાળ ગરમીની કેદમાંથી વે'લાહાર મુક્તિ મેળવી
શકીશું.
એમાંય ઈશ્વરની દેન છે એટલે આ વખતે વરસાદ વરસવાનો વહેલો શરૂ થયો માટે વહેલાં વૃક્ષો વાવવાની તક મળી. શુકનવંતુ ચોઘડિયું છે તો હવે રાહ શેની..??
શ્રી સ્વામિનારાયણ
સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાને આંગણે ૨૦૨૬માં ૨ થી ૮ જાન્યુઆરી સુધી થનાર જનમંગલ મહોત્સવ નિમિત્તે પૂજ્ય
ગુરુજીએ ૧૧૦૦૦ વૃક્ષો વાવી ઉછેરવાનો સંકલ્પ કર્યો છે. જેની શરૂઆત પૂ. ગુરુજીએ
ઓસ્ટ્રેલિયાના hervey bay સિટીમાં ચંદનનું પ્રથમ વૃક્ષ વાવીને કરી દીધી છે. સાથે સૌને વ્યક્તિ દીઠ ૧૧ વૃક્ષ વાવવાનો અનુરોધ પણ કર્યો છે.
Comments
Post a Comment
Thanks for comments