"મધુરભર્યા સત્યની સંગાથે..."

માં એ પ્રેમની યુનિવર્સિટી

Image
" માં એ પ્રેમની યુનિવર્સિટી " " જગતભરમાં જે સૌથી વધુ બોલાય છે, એ શબ્દ છે માં." - સ્વામી નિજાનંદ સૌથી નાનો અને બોલવામાં મીઠો લાગતો શબ્દ એટલે માં. કલમ જ્યારે માં વિશે આલેખવા જાય ત્યારે શબ્દો પણ લાગણીભીના થઈ પડે. બાળપણની યાદોનું પ્રતીક અને લાડુની મીઠાશ એટલે માં. કવિ કાગબાપુની કલમે નોંધ્યું, " મોઢે બોલું માઁ ત્યાં તો સાચેય નાનપ સાંભરે, મોટપ ની મજા મને કડવી લાગે કાગડા..! " રડતાં, હસતાં અને છાતીએ ચાંપતા માં ની આંખના ખૂણે બાઝેલું પ્રેમનું એક અશ્રુબિંદુ આંખ પલકારો મારે ત્યારે એ અમૃત આંખના ખૂણેથી ગાલ પર ભીના લીસોટા પાડતું બાળકના માથામાં ટપ દઈને સરી પડે એ દ્રશ્ય કાંઈક અદભુત હોય છે. હેલન કેલરે તો એવુ કહ્યું કે, "માતાના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે કે એના વિશે કંઇ પણ બોલવું વિકટ છે અને એમાં મને અસંસ્કારીતા લાગે છે." મનમાં પ્રશ્ન એ થાય કે, ક્લાસ વન- ટુ ઓફિસર બનવા માટે એની પરીક્ષા પાસ કરવી પડે. જોબ માટે ડીગ્રી જોઈએ. એમ કોઈ સ્ત્રીને માં બની માતૃત્વ સ્વીકારવા કઈ પરીક્ષા પાસ કરવી પડતી હશે? માતૃત્વની ડીગ્રી કઈ યુનિવર્સિટીમાં મળતી

શિરોમણી સરદાર || Sardar Patel


" શિરોમણી સરદાર "


       31 ઓક્ટોબર આવે ને આપણી અંદર સુતેલો દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિ અચાનક જાગી આવે. સરદાર સાહેબના સિદ્ધાંતોનું સ્ટેટસ- સ્ટોરીથી માંડી મોટા મોટા બેનરો લગાવી પ્રદર્શન કરવા લાગી પડીએ. સરદાર સાહેબની મૂર્તિ પર એક જ દિવસમાં ફૂલહારનો થર જામી જાય. ને 31 ઓક્ટોબર પછી......??


માફ કરજો મિત્રો, નાના મોઢે કડવી વાત થઈ ગઈ. પણ જરા હૃદય પર હાથ મૂકીને પોતાની જાતને પૂછીએ,-

" સરદારના આદર્શો અને સિદ્ધાંતો આપણે આપણા આચરણ સુધી પહોંચાડી શક્યા છીએ ? કે પછી પ્રદર્શન સુધી જ રહી ગયા ?? " 

" જે 31 ઓક્ટોબરે આપણી છાતી ગજ ગજ ફૂલે છે, એ વલ્લભભાઈની સરદાર સુધીની સફરનો અભ્યાસ આપણામાંથી કેટલાય કર્યો ?? "

" જય સરદારના નારાઓ લગાવ્યા પછી, શું આપણે સરદારને સમજવાનો પ્રયત્ન કર્યો છે ?? "

" ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ; બસ આટલા પૂરતું જ સીમિત છે, કે પછી લોખંડી પુરુષના કોમળ હૃદયને પણ વાંચવાનો પ્રયત્ન કર્યો છે ?? "


છતાંય જો હૃદય સાચો જવાબ ન આપે તો આગળ આ પ્રશ્નો પણ પૂછજો - તો....

" હજુય દેશમાં સ્વચ્છતાનો અભાવ કેમ ?? " 

" આ ભારત જેવાં પવિત્ર દેશમાં બળાત્કારના કિસ્સાઓ કેમ ?? " 

" અમુક હકો ખાતર દેશની મિલકતોને નુકસાન પહોંચાડી એમાં અનેક બેસુમારોના જીવ જાય આવા હુલ્લડો કેમ ?? "

" આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ એના માટે પોલીસને ખરા તડકે તપ તપવું પડે ! " 

" દેશનો યુવાન નાનકડી એવી નિષ્ફળતાથી નિરાશ થઈ આપઘાત સુધી પહોંચી જાય ! "

" દેશમાં મંદિરો કરતાં વૃદ્ધાશ્રમોને સંખ્યા વધે ! "

" અનેક નિયમો, કાનુનો અને યોજનાઓ પછી પણ દેશ ભ્રષ્ટાચારથી પીડાય ! "

" અથાગ પ્રયત્નો પછી પણ ગરીબી અને બેરોજગારી દેશમાંથી નિર્મૂળ નથી કરી શક્યા ! " 

" જે દેશના પ્રતિજ્ઞા પત્રમાં 'બધા ભારતીયો મારા ભાઈ બહેન છે.' એમ બોલાતું હોય એ ભારતમાં હજુય અસ્પૃશ્યતાના અંશો કેમ ?? " 

.......આવું કેમ.....???


જો દોસ્ત, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપના બાયોમાં સરદાર વંશી લખવાથી સરદાર નથી થઈ જવાતું. સરદાર એ ફક્ત કોઈ એક નામ નથી, સરદાર એ ફક્ત કોઈ એક સ્પેસિફિક જ્ઞાતિ પૂરતું સીમિત વ્યક્તિત્વ નથી. સરદાર એ એક વિચારધારા છે. સરદાર એ શ્રદ્ધા અને વિશ્વાસ છે. સરદાર એ અડગ નિશ્ચય છે. સરદાર એ દેશપ્રેમની એક ભાવના છે.


28 ઓગસ્ટ 1938 ના રોજ પાટીદારઓએ સરદાર સાહેબને માનપત્ર આપેલું. ત્યારે સરદાર સાહેબે એમના વક્તવ્યની શરૂઆત જ આ શબ્દોથી કરી હતી : 

" સ્ત્રત મને ખબર છે કે હું ન્યાતજાતના વાડાની બહાર નીકળી ગયેલો માણસ છું. એટલે કોમી માણસ તરીકે તમે મારૂ સ્વાગત કરી શકો એમ નથી. મુલકના બંધન તોડવાની ખાતર જ્ઞાતિના બંધનની બહાર નીકળવું જોઇએ.''


માણસ જન્મજાત જ મહાન નથી હોતો, એના વિચારો અને આચારને આધારે એ મહાનતાને પામે છે. સરદાર સાહેબનું એક વાક્ય મને બહુ ગમે છે : "The power of rulers ends with their own death, whereas the power of great patriots only takes effect after their death"

અર્થાત્ " સત્તાધીશોની સત્તા પોતાના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા એમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે. "


જસ્ટ ઈમેજીન; અત્યારે સરદાર, ભગતસિંહ કે ગાંધીજી યા તો શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપની હૈયાતી હોત તો ? આપણે પણ એક સામાન્ય માણસની જેમ તેમના ગુણ-દોષોનું સ્ટેટમેન્ટ કાઢવાં મંડી પડ્યાં હોત ! અને એમની ઊણપ જ્યારે સાલે ત્યારે એમના મહાન કાર્યોના ગુણગાન ગાઈએ, પરંતુ એમની હૈયાતીમાં એમના સહભાગી ન બની શક્યા એનું શું..?


રાજમોહન ગાંધીએ સરદાર સાહેબ પર લખેલા પુસ્તકમાં એવું નોંધ્યું છે - સરદારને એમની જન્મતારીખ અંગે પૂછવામાં આવ્યું. સરદારનો જવાબ હતો, “ખાસ કંઈ યાદ નથી. એ જમાનામાં એવું કંઈ બહુ નોંધાતુ નહીં. એ તો જે યાદ આવી એ પ્રમાણપત્રમાં લખી નાખી ! ''


જી હા.. આ વાત બિલકુલ સાચી છે. થયું ને આશ્ચર્ય !! જન્મદિવસ જેવી બાબતમાં પણ વધુ સમય બગાડવાને બદલે દેશહિતના કામે ચડી જનારા માણસ એટલે સરદાર. 


સરદાર સાહેબે એમનો જન્મદિવસ મનાવ્યો હોય કે ન મનાવ્યો હોય, કેટલાક જન્મદિવસ તો એમના જેલખાનામાં પણ ગયા હશે પરંતુ આજે એમનો બર્થડે આખો દેશ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે. આ ઉત્સાહ સરદારનો દેશપ્રત્યેનો પ્રેમ અને ત્યાગ સૂચવે છે.


લેખક શ્રી હર્ષદ પંડ્યાએ બહુ સરસ નિરીક્ષણ કર્યું. - "કોઈ વ્યક્તિ યોદ્ધો હોય, મુત્સદ્દી હોય અને યુગપુરુષ હોય એ મુશ્કેલ હી નહીં, નામુમકીન હૈ... પણ સરદાર સાહેબે એ નામુમકિનને મુમકિન કરી બતાવ્યું, કેમ કે એ સરદાર હતા, કેમ કે એ માત્ર નેતા નહોતા, લોખંડી મનોબળ ધરાવતા એક વચનની રાજધર્મી નેતા હતા! "


વલ્લભભાઈ અમદાવાદમાં એક જ વખત ગાંધીજીના સંપર્કમાં આવ્યા ને હૃદય પરિવર્તન થઈ ગયું. વિદેશી વસ્ત્રો છોડી સ્વદેશી ખાદી અપનાવી લીધી. વકીલાત બાજુ પર મૂકી આઝાદીના મેદાનમાં ઝંપલાવી દીધું અને ગાંધીબાપુના નિકટના સાથી બન્યા.


સરદારને કોઈ એક લેખમાં કે પુસ્તકમાં આલેખવા એ સમુદ્રને ટબૂડીમાં સમાવવા જેવું કે'વાય!!


પ્રિન્સ ઓફ જર્મની એટલે કે બિસ્માર્ક સાથે સરદાર પટેલને સરખાવવા એ પણ એક પ્રકારની મૂર્ખતા જ કહેવાય. કેમ કે બિસ્માર્કે ત્રીસેક જેટલા રાજ્યનું એકીકરણ કરેલું અને એમાંય તેને બારેક વર્ષ લાગેલા પરંતુ સરદાર સાહેબે તો પાંચસોથી પણ વધુ રજવાડાઓને માત્ર બાર જ મહિનામાં ભારતના રાષ્ટ્રધ્વજ નીચે લાવી દીધા! આમાં સરદાર સાહેબને બિસ્માર્ક સાથે સરખાવવાની વાત ક્યાંય મેળ ખાય એવી છે ખરી!!


ખરી વાત તો એ કહેવાય કે સરદાર સાહેબે આ બધા રાજ્યોના રાજાઓ સાથે કળથી કામ લીધું. હા... જરૂર પડ્યે ક્યાંક બળનો પરિચય પણ કરાવ્યો છે પરંતુ એકીકરણના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ સરદાર સાહેબે પોતાની વાકછટા વડે જ લાવી દીધું છે. " બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ " આ બંનેનું કોમ્બિનેશન સરદાર પટેલમાં બહુ અદભુત રીતે સમાયેલું છે.


" પ્રસંગે બોલવું શોભે છે પણ પ્રસંગ વિનાનું બોલવું મહા મહિનાના માવઠા જેવું છે. " - સરદાર વલ્લભભાઈ પટેલ


સરદારે જ્યાં બોલવું પડે એવું હતું ત્યાં મૌનને દૂર રાખ્યું. પોતાની નીડરવાણીથી સામાને સાચું સંભળાવી જ દેતા. સરદાર સાહેબે તો એવું પણ કહ્યું છે : " હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતની જીભમાં મીઠાશ હોય નહીં. મારી જીભ કુહાડા જેવી છે અને મારી વાત કડવી લાગે તો પણ આપણા બેઉના હિતની છે. હું સાફ વાત પસંદ કરનારો છું." (મુંબઈની મૂળજી જેઠા માર્કેટમાં આપેલું વક્તવ્ય)


એક વાર દાલમિયાં શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદાર સાહેબના સેક્રેટરીને મળવા ગયા અને તેમણે કહ્યુંઃ 'દાલમિયાં શેઠ બે લાખ રૂપિયાનું ચૂંટણીફંડ આપવા તૈયાર છે. સરદાર સાહેબ એ રકમ સ્વીકારશે ખરા?'

સરદાર સાહેબના સેક્રેટરીએ સરદાર સાહેબને પૂછ્યું તો સરદાર સાહેબે કહ્યુંઃ ' લઈશું.'

બીજા દિવસે દાલમિયાં શેઠના સેક્રેટરી ફરી પાછા આવ્યા અને સરદાર સાહેબના સેક્રેટરીને કહેવા લાગ્યાઃ ‘દાલમિયાં શેઠ ઈચ્છે છે કે, સરદાર સાહેબ તેમના ઘેર ચા પીવા આવે એ સમયે તેઓ રકમ સુપરત કરશે.' 

સરદાર સાહેબના સેક્રેટરીએ આ વાત સરદાર સાહેબને કરી. વાત સાંભળતાં જ તેઓ તાડૂક્યાઃ ‘દાલમિયાં શેઠને કહેરાવી દો કે, ચૂંટણીફંડ આપવું હોય તો આપે. બે લાખ રૂપિયા આપીને તેઓ મારી પર કે કોંગ્રેસ પર કોઈ ઉપકાર કરતા નથી. એમને સ્પષ્ટ કહી દો કે ચૂંટણીફંડ આપવું હોય તો આપે. ન આપવું હોય તો ન આપે. હું બે લાખ રૂપિયા લેવા તેમના ઘેર ચા પીવા જઈશ નહીં.'

સરદાર સાહેબનો આ સંદેશો મળતાં જ દાલમિયાં શેઠે ૨ લાખની રકમમાં રૂ. ૨૫ હજારની રકમ ઉમેરી સવા બે લાખ રૂપિયાનો ચેક સરદાર સાહેબને મોકલી આપ્યો. આ હતો સરદારી મિજાજ.


લેખક શ્રી મયુર પાઠકે સરદાર સાહેબના જીવનમાંથી અદભુત વાત પકડી. - " સરદાર પટેલના જીવનમાં શીખવાની વાત એ છે કે, તમે જેનો આદર કરતા હોય, જેનું સન્માન કરતાં હોય તેની દરેક વાત સાચી હોય તે જરૂરી નથી. તેની ખોટી વાતનો તમે વિરોધ કરી શકો છો. પોતાના વિચારો પ્રદર્શિત કરી શકો છો, પરંતુ સાથે સાથે આ વિરોધ અને અસહમતી પછી પણ સન્માનીય વ્યક્તિનું અપમાન કરવાની તમને છૂટ નથી. કોઇ એક વાત કે કોઇ એક વિચારને કારણે સન્માનીય વ્યક્તિ દુશ્મન નથી બની જતી. સરદાર પટેલે ગાંધીજીને પોતાના રાજકીય ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. મૃત્યુપર્યંત સરદાર પટેલે ગાંધીજીના આદેશ પાળ્યા, પરંતુ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ગાંધીજીના વિચારો સાથે પોતાની અસહમતી સરદાર પટેલે જાહેરમાં વ્યક્ત કરી. ગાંધીજી અને દેશ એ બે વચ્ચે જ્યારે પસંદગી કરવાની આવી ત્યારે સરદાર પટેલે દેશહિતને પ્રાધાન્ય આપ્યું. આમ છતાં ગાંધીજી પ્રત્યે ક્યારેય દિલમાં ગુસ્સાની કે નફરતની લાગણી ન રાખી. "


અરે ! અંગ્રેજી ગાર્ડિયન દૈનિકે પણ નોંધેલું. - " સરદાર ન હોત તો ગાંધીબાપુના વ્યવહારુ વિચારો અને નેહરુના આદર્શવાદને કોઇ સમજી શક્યું ન હોત. ગાંધીબાપુ ઈશ્વરના આદેશને સાંભળે છે ને તેનો અમલ કરવાનું કાર્ય સરદારને સોંપે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, મને સરદાર ન મળ્યા હોત તો હું જે કરી શક્યો તે ન કરી શકત. બીજી બાજુ. ગાંધીજી ન હોત તો દેશને સરદાર પણ ન મળ્યા હોત એ પણ સનાતન સત્ય છે. "


સરદાર એકતા પુરુષ બન્યા એની પાછળના કારણોમાં આ બે કારણો હતાં એમ કહી શકાય - રમુજ વૃતિ અને માં નુ કોલેજુ (સંવેદનનાભરી કાળજી).


ગાંધીજી પર કોઈકનો કાગળ આવ્યો અને નીચે લખનાર તરીકે લખ્યું કે " તમારા જમાનામાં જીવવાનું દુર્ભાગ્ય મેળવનાર... " વલ્લભભાઈ ચિડાયા બાપુને કહ્યું : " એને વળતો જવાબ લખો, કે ઝેર ખાઈ લે તું ! " બાપુ કહે :  " એમ તો કેવી રીતે લખાય, એવું લખું કે મને ઝેર આપી દો. " વલ્લભભાઈ કહે : " પણ એમાં એમનો દહાડો ન વળે. તમને ઝેર આપે તો તમે વળી સિદ્ધાંતને લઈને ખાઈ પણ લો. એટલે એને ફાંસીની સજા થાય. ને બેયના અપમૃત્યુ થતા પાછા અવતાર લો ! એના કરતાં ભલે એ જ ઝેર ફાંકતો ! "


એક વાર ગાંધીજી પર એક દર્દીનો પત્ર આવ્યો. પત્રમાં તેણે તેને થયેલા દમના ઉપદ્રવનું વર્ણન કર્યું હતું અને ગાંધીજીએ કરેલા કોઈ વૈદ્યકીય પ્રયોગો પૈકી આવાં દર્દો મટાડવા કોઈ ઉપાય સૂચવવા લખ્યું હતું. મહાદેવભાઈએ આ પત્ર બાપુને આપતાં કહ્યું કે, “આવા પત્રોનો જવાબ ક્યાં આપતા ફરશો?”


ગાંધી બાપુએ કહ્યું, “ભલે ભાઈ.. ” અને મહાદેવભાઈ પત્ર ફાડવા જાય છે ત્યાં જ સરદારે ગમ્મત કરતાં કહ્યું, “અરે, લખી નાખોને કે ઉપવાસ કરો, ભાજી ખાઓ, કોળું ખાઓ, સોડા પીઓ અને સોડા ન ફાવે તો બકરીનું દૂધ પીઓ.” સરદારનો આવો વિનોદ સાંભળીને ગાંધીબાપુ ખડખડાટ હસી પડ્યા.


૧૯૪૨માં એક દિવસ સરદાર સાહેબ અમદાવાદમાં એક કૉલેજમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપવા ગયા હતા. વિદ્યાર્થીઓ સભાસ્થાને બેસવાને બદલે આમતેમ આંટા મારતા હતા. સ્વયંસેવકો તથા વ્યવસ્થાપકોની વારંવાર વિનંતી કરવા છતાં વિદ્યાર્થીઓ ધ્યાન આપતા ન હતા.


આ જોઈ સરદારે રમૂજ કરી, “વિદ્યાર્થીમિત્રો, અત્યારે દુનિયામાં ચાર પ્રકારની હઠ પ્રચલિત છે. રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ અને અંગ્રેજોની પીછેહઠ! હવે એમાં તમારી ઊભા રહેવાની પાંચમી હઠ ‘ઊભલાહઠ’ ઉમેરાય છે. જે નવી વસ્તુ છે! ”સરદારની આ રમૂજ સાંભળી બધાય વિદ્યાર્થીઓ જાણે કશું બન્યું જ નથી એમ સમજી ટપોટપ બેસી ગયા.


સરદાર સાહેબ આ પ્રકારની નિર્દોષ રમૂજ કરી શકતા’તા, કેમ કે એ રાજકારણી નહોતા, મુત્સદ્દી હતા, રાજપુરુષ હતા.


લેખક અને વક્તા એવા જય વસાવડાએ વલ્લભભાઈના જીવન પર એક જોરદાર પુસ્તક લખ્યું છે - " સુપરહીરો સરદાર " હવે જયભાઈ સરદારના હૃદયની સાથે સંગોષ્ઠિ ક્યારે કરી આવ્યા એ તો એ જાણે ! પણ એ વાતો જે મૂકી છે તે આજ સુધી લગભગ સરદાર વિષે કોઈએ રજૂ નહીં કરી હોય. એ બધી વાત સરદારના દિલની લગોલગ છે એમ કહીએ તો પણ ખોટું નથી. એ પુસ્તક દરેક સરદારપ્રેમીએ વાંચવું જોઈએ. એમાં સરદાર હોવાનો સંતાપ નામના મથાળા હેઠળ બહું જ ગૂઢાર્થ ભરી વાત પર પ્રકાશ પાથર્યો છે. - " સરદાર હોવાના સંતાપો, સરદાર હોવાની કક્ષાએ પહોંચેલાં લોકો આપણી તો શું, એમના સ્વજનો વચ્ચે પણ વહેંચતા નથી. આ વાસ્તવિકતા છે. આપણે જે સરદારની લાઇમ લાઈટ જોઈએ છીએ, અજવાળું જોઈએ છીએ, જે પ્રભાવ જોઈએ છીએ એની પાછળ સંતાપ પડેલો હોય છે, ઉજાગરા પડેલા હોય છે, દર્દ પડેલું હોય છે.અને એ દર્દ એના એકલાનું નથી હોતું, આખી દુનિયાનું દર્દ અને સાથે લઈને ચાલવાનું હોય છે. બુદ્ધત્વ તો ઉચ્ચત્તમ કક્ષા છે. કારણકે બુદ્ધત્વમાં ફિલ નથી કરવાનું કે દુનિયામાં શું થાય છે. પણ જે બુદ્ધ નથી થયા એમનું શું ? એણે ફીલ કરવાનું છે કે જગતમાં આટલા ભૂખ્યા છે, આટલા દુ:ખી છે. એમની માટે કાંઈ કરી નથી શકતા એનો વસવસો છે. દુનિયામાં આટલા દુઃખ છે બધાને, અને મારાથી કંઈ થતું નથી એ અનુભવવું એ જ સરદાર હોવાનો સંતાપ છે.બાળકો, બહેનોના અત્યાચાર માટે પોતે કંઈ કરી નથી શકતા એ વિચારે દુઃખી થાય, પછી આક્રોશમાં આવે, આંદોલનો કરે.. અને એક રાતમાં બદલાય એવી પરિસ્થિતિઓ હોતી નથી એ બધી. જગતનો આખો ક્રમ છે. કાળની કસોટીમાં પીસવા માટે આપણને મોકલ્યા છે. "


સરદાર હોવાનો એ સંતાપ છે કે ક્યારેક ફ્લેશ બેકમાં જોતા હોઈએ ત્યારે એમ થાય કે ઘણું આમ બદલી શકાયું હોત, આમ થઈ શક્યું હોત.. પણ એ બધું ધરબી દેવું પડે અંદર અને હસતા રહેવું પડે. નહિતર આસપાસના લોકો નિરાશ થઇ જાય. સરદાર નાયબ વડાપ્રધાન થયા કે સત્યાગ્રહ કર્યો કે દેશનેતા હતા એટલે નમન કરવાનું નથી,આવી વાસ્તવિકતાઓ ધરબી છે એટલે નમન કરવાનું છે..એક બહુ સરસ વાત યાદ રાખવા જેવી છે કે જેણે સરદાર થયું હોય એણે ક્યારેય ગુડ નાઇટ કહીને સુવાનું ન હોય... !


અમેરિકન કવિ ડાયલન થોમસની પંક્તિઓ છે : Raise, raise, raise upon the Good night.

અર્થાત્ ગુડ નાઇટ કહીને સુઈ ન જાઓ, આગળ વધો.. આગળ વધો. રાત તમારા માટે નથી. કોઈ દીવો જયારે બુઝાવાની તૈયારીમાં હોય ત્યારે એને હાથ આપો, આડશ આપો,તમારું તેલ આપો.. એના માટે આ અવતાર છે, જીવન છે, આપણું કૃત્ય છે.


એક પિતા તરીકે પણ વલ્લભભાઈએ આદર્શ પાત્ર ભજવ્યું છે. પોતાના સંતાનોમાં દેશપ્રેમ, નીડરતા ને સત્ય જેવા ગુણોનો સંચાર કર્યો છે. જે આજના દરેક વાલીઓએ શીખવા જેવું તો ખરું જ !!


સરદાર વલ્લભભાઈનો પુત્ર ડાહ્યાભાઇને પત્ર : 

" કોઇની સાથે બોલી બગાડવામાં ફાયદો ન હોય. આપણે કરવું હોય તે કરીએ પણ આપણી સ્વતંત્રતાનો અર્થ એ નથી કે બીજાનો તિરસ્કાર કરીએ. ગૃહસ્થનું એ ભૂષણ ન ગણાય તેથી આપણા સ્નેહીઓને પણ મુંઝવણ થાય. એ વિશે વિચાર કરી જયાં જયાં ભૂલ થતી હોય ત્યાં ત્યાં સુધારજો. કોઇને માઠું લાગવા જેવું લખ્યું હોય તેની માફી માંગી તેની સાથે ભળી જજો અને તેનો પ્રેમ સંપાદન કરજો. કોઇની સાથે દુશ્મનાવટ ન કરજો. મને ખુલ્લા દિલથી લખજો. કંઇ દુઃખ ન લગાડશો. મારો સ્વભાવ પણ એક વખત કડક હતો પણ મને એ વિશે ખૂબ પસ્તાવો થયેલ છે. અનુભવથી તમને લખું છું."


જ્યારે જ્યારે પણ સરદાર સાહેબની વાત આવે ત્યારે ત્યારે એક જ પ્રશ્નનુ સરવૈયું કાઢવા મંડી પડીએ - " જો જવાહરલાલ નેહરુને બદલે સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો...?? " બસ, આટલાથી આગળ જવાનો પ્રયત્ન કદી કર્યો જ નથી. એટલે જ આજે ઈતિહાસના પાના ઉપર જામી ગયેલા થર દૂર કરી સરદારના એક અનોખા વ્યક્તિત્વ પર પ્રકાશ પાથરવાનો પ્રયત્ન કર્યો છે. લેખની લંબાઈ મર્યાદાને કારણે સરદાર સાહેબની સામાન્ય માહિતી જેમકે જન્મતારીખ, જન્મસ્થાન, માતા-પિતાનું નામ, પત્નીનું નામ, અભ્યાસ વગેરે... બાબત ન લઈ શક્યો એ વાતનો ખેદ પણ છે. 


અંતમાં સરદાર સાહેબના જ એક વક્તવ્યના અંશોથી આ લેખના છેડે પૂર્ણવિરામ મુકું છું.


" ડીગ્રી મેળવેલા મારી પાસે ઘણા આવે છે, મને તેમની દયા આવે છે. ડીગ્રી અને ન ડીગ્રી વાળા બંને ભટકે છે. કારણકે જગતની ડીગ્રી વગર બધું નકામું છે. " (૫ ડિસેમ્બર, 1932 અમદાવાદ)



Comments

Post a Comment

Thanks for comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

વ્યસ્તતા... (Article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?