"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ...

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

સગપણ તો એક પરમાત્મા સાથે...


 "સગપણ તો એક પરમાત્મા સાથે.."

સગપણ અને સંબંધ આ બંને ઘણા નજીકના સમાનાર્થી શબ્દ છે. 

"સંબંધ એટલે શું ?"

આમ તો સંબંધના ઘણા બધા અર્થ થાય છે. પરંતુ આપણે અહીં સંબંધ એટલે સહ બંધન એવા અર્થમાં લઈએ.

સામાન્ય રીતે જ્યારે કોઈનું સગપણ કરવાનું નક્કી થાય ત્યારે મોટેભાગે સંબંધ શબ્દ બોલાય છે.

"અમારે અમારી દીકરી અથવા તો દીકરાનો સબંધ કરવાનો છે." તમે પણ ઘણી વખત આવું સાંભળ્યું જ હશે.

પરંતુ, જો બહુ ઊંડાણપૂર્વક અને ચિંતનપૂર્વક વિચારીએ તો આપણને સમજાય કે આલોકનો સંબંધ આખરે ક્યાં સુધી...?

માફ કરજો મિત્રો, અહીંયા મારો કહેવાનો અર્થ એ નથી કે આપણા હિતેચ્છુ અને આપણા સ્નેહીજનો સાથે સંબંધ રાખવો નહીં કે બાંધવો નહીં. ના..! એવું જરા પણ નથી. સૌની સાથે હળી મળીને સંપ, સ્નેહ અને સુહ્યદભાવ કેળવીને રહીએ તો જ જીવન જીવવાની મજા આવે. અને આનંદ આવે. પણ તકલીફ ત્યાં છે કે આપણે તેમાં ન બંધાવાની જગ્યાએ બંધાઈ જઈએ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદગીતામાં કહ્યું છે કે, "જેનું સર્જન છે એનો નાશ પણ અવશ્ય છે જ." અર્થાત જન્મ થયો એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. 

આગળ ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવદગીતામાં એવું કહે છે કે, "નાશ તો ફક્ત દેહનો થાય છે. આત્મા તો અજર , અમર, અવિનાશી છે. તે કપાતો કે હણાતો નથી."

ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ વચનામૃત ગ્રંથમાં એવું કહ્યું છે કે, "આ જીવ પૂર્વે અનેક માતાના કૂંખે જન્મ ધરીને આવ્યો છે, અનેક સગા-સ્નેહી કરીને આવ્યો છે. જ્યારે ઘણા જન્મોના પૂણ્ય ઉદય થાય ત્યારે આવો મોંઘો મનુષ્યનો દેહ મળે છે."

સદગુરુ શ્રી દેવાનંદ સ્વામીની કલમ માનવજીવનની ખરી સાર્થકતા અને મૂલ્ય સમજાવતા એમ કહે છે કે ;

" માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી ;

માન મરડાઈ મોટપ મેલી, ભજી લો હરિ..."

આમ જોઈએ ને તો "માનવી" શબ્દનો અર્થ જ એવો સ્ફુરી આવે છે કે "માં--નવી" એટલે કે જન્મ-મરણના ફેરા ફરતો-ફરતો કોઈને કોઇ યોનિમાં માતા થકી આ આત્મા જન્મ પામીને મરતો આવ્યો છે. 

"એનું કારણ શું...?"

એનું કારણ છે. આપણે સાચો સંબંધ બાંધવામાં નિષ્ફળ ગયા છીએ. જેની સાથે આપણે સંબંધ બાંધીએ છીએ એ આપણને મૂકીને વયા જાય છે.(મૃત્યુ પામે છે) અને કોઈકે આપણે સાથે સંબંધ બાંધેલો હોય તો આપણે એમને મૂકીને વયા જઈએ છીએ. આ એક સત્ય હકીકત છે ને...!  

"આપણે કેમ સંબધ બાંધવામાં સફળ નથી થતા ?" સહજ પ્રશ્ન થાય આપણને.

કેમ કે આપણે દેહના સગા સાથે સંબંધ બાંધીએ છીએ અને આત્માના સાચા સગા સાથે સંબંધ બાંધવાનો રહી જાય છે. જ્યારે દેહ તો નાશવંત જ છે, તો એનો સંબંધ કાયમને માટે કેવી રીતે ટકી રહેવાનો..?

તો અહીં હવે પછી મુખ્ય પ્રશ્ન એ ઉદભવે કે આપણું (આત્માનું) સાચું સગું કોણ ? કોની સાથે અવિનાશી સંબંધ બાંધવો ? 

એના જવાબમાં મારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી (સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા) એમની કથામૃતમાં કહે છે કે,

"આત્માના સાચા સગા તો પરમાત્મા અને પ્રભુના એવા પ્રગટ સતપુરુષ જ છે."

શ્રીમદ્ ભગવત ગીતામાં અને વચનામૃત જેવા શાસ્ત્રોમાં પણ બતાવ્યું છે કે, "આત્માના સાચા સગા તો પરમાત્મા છે."

સંબંધ બાંધવો તો એકમાત્ર પરમાત્મા અને પ્રભુના એવા મુક્તપુરુષો સાથે સંબંધ બાંધવો અને એમનો જ સંબંધ એક માત્ર અવિનાશી સંબંધ છે. 

નિહાળો તો પરમાત્માને નિહાળો. સંકલ્પ કરો તો પરમાત્માને પામી જવાના સંકલ્પ કરો, પરમાત્માને રાજી કરવા માટેના સંકલ્પ કરો. સાંભળો તો પરમાત્માને સાંભળો અને સ્પર્શ કરો તો પરમાત્માનો સ્પર્શ કરો. ઈચ્છો તો એક પરમાત્માને ઈચ્છો એનામાં અધિકને અધિક પ્રીતિ કરવાનો પ્રયત્ન કરો.

તમારે એકલા નથી જ રહેવું અને એકલવાયું જીવન તમને ઊધયની જેમ કોતરી ખાય છે. તો આપણા શાસ્ત્રો અને અનુભવી મહાપુરુષો એમ કહે છે કે, "સગપણ તો એકમાત્ર પરમાત્મા સાથે કરવું. પ્રભુને તમારા મિત્ર બનાવો. પ્રભુને તમારા સગા બનાવો. કેમ કે એ સંબંધ તમને ક્યારેય એકલતાનો અનુભવ નહિ થવા દે."

તમને જે ભાવથી પરમાત્મામાં વધુને વધુ ગાઢ પ્રીતિ થતી હોય એ ભાવથી પ્રભુને તમારા સંબંધી બનાવો. એ જ અવિનાશી સંબંધ છે.

મારા કહેવાનું તાત્પર્ય એ છે કે, સંબંધ બધા સાથે રાખો, બધા પ્રત્યે મિત્રભાવ રાખો, ભ્રાતૃભાવ રાખો, પિતા પ્રત્યે પિતૃભાવ, માતા પ્રત્યે માતૃભાવ રાખો, પરંતુ પ્રધાન સંબંધ તો એકમાત્ર પરમાત્મા અને પ્રભુને અખંડ ધારી રહેલા પ્રગટ મુક્તપુરુષનો જ રાખવો.

ઘણી વખત મારી સાથે તમે પણ એવું અનુભવ્યુ હશે કે, અમુક સંબંધો માત્ર સ્વાર્થ માટે સચવાયેલા હોય છે. 

આપણે હદથી વધારે કોઈની સાથે એવા સંબંધથી બંધાયેલા હોઈએ કે, જેને આલોકની ચીજ-વસ્તુ કે પદાર્થ, પ્રતિષ્ઠા, માન, મોભાની જ અપેક્ષા હોય એવા સંબંધો જ ખરેખર દુઃખનું કારણ બનતા હોય છે. ટૂંકમાં કહું તો,  "અવિનાશી સંબંધમાં જ નિસ્વાર્થતા નું પ્રમાણ વધુ રહેલું હોય છે."

આ વિષય પરથી મને મારા જીવનનો એક પ્રસંગ યાદ આવે છે.

હું મારી અત્યાર સુધીની ૧૯ વર્ષની જિંદગીમાં માત્ર એક જ વખત કોઈની સ્મશાન યાત્રામાં સ્મશાન સુધી ગયેલો છું. વડીલ લોકો પાસે એવું સાંભળેલું કે, કોઈની સ્મશાન યાત્રામાં જવાથી સો ગણુ પુણ્ય મળે છે.

જે દિવસે સાંભળેલું તે દિવસે મને પ્રશ્ન તો થયેલો જ કે, આવું શા માટે ? કોઇની સ્મશાન યાત્રામાં જવાથી સો ગણુ પુણ્ય મળે એની પાછળનું કારણ શું હશે ?

પણ એનો જવાબ હું જ્યારે એક વખત કોઈક નજીકના સગાની સ્મશાન યાત્રામાં ગયો ત્યારે મને મળ્યો. 

મૃત્યુ પામેલ વ્યક્તિને લાકડાની ઊંચી ચિતા ઉપર સુવડાવવામાં આવ્યો. ચારે બાજુ રો-કકળ હતી. તેમના સુપુત્રોએ મળદાને અગ્નિદાહ આપ્યો. પછી માત્ર થોડીક જ મિનિટોમાં રો-કકળ શાંત...! 

વચ્ચેથી મોટી આકાશને આંબે એવી ચિતાનો ધીમો-ધીમો અવાજ આવી રહ્યો હતો. એમાંય વળી એક બાજુ ઊભેલા માણસોના ટોળામાંથી સાવ ધીમો- ધીમો કાંઈક ગપસપનો અવાજ સંભળાવાનો શરૂ થયો. 

બસ માત્ર ગણી-ગાંઠી અમુક જ મિનિટોમાં સૌ ભડ-ભડતા અગ્નિનમાં મડદાને પડતું મૂકીને ઘર તરફ ચાલતા થઈ ગયા.

મને તે દિવસે આવું દ્રશ્ય જોઈને નવાઈ લાગી કે, બસ હવે પૂરું....? આને પડતા મૂકીને બધા ચાલ્યા ગયા !

જ્યારે માનવીના ખોળીયામાં જીવ હોય ત્યારે ઘણા લોકોના મુક્તકંઠે એવું સાંભળવા મળ્યું હોય, "તમ-તમારે હું બેઠો છું ને..! ડોન્ટ વરી." પરંતુ જીવરૂપી માલિકે દેહરૂપી ભાડાના મકાનને ખાલી કરી નાખ્યા પછી અહીંયા તો આ બળતી ચિતા સાથે બેસવાવાળુ કોઈ જ નહીં ને ! એટલે જ  આપણાં પ્રાચીન ભજનોમાં એવું કહ્યુ છે કે;

" જીવ શાને ફરે છે ગુમાનમાં,

તારે રહેવું ભાડાના મકાનમાં..."

તે દિવસે મને આકાશમાં ઉપરની તરફ જઈ રહેલા ધુમાડાને જોઈને એવો વિચાર આવેલો કે, જ્યારે દેહના સંબંધી કાંડુ મૂકે અને સાથ છોડે ત્યારે આત્માના સંબંધી હાથ પકડે છે. પરંતુ જો આત્માના સાચા સંબંધી સાથે સંબંધ બાંધ્યો હોય તો..!

મારા પ્રશ્નનો જવાબ મને એ મળ્યો કે, સ્મશાનયાત્રામાં જવાથી ઝળહળી રહેલા અગ્નિની ચિતાને જોઈને માનવને ખરું જ્ઞાન થાય છે કે, આપણા સાચા સંબંધી કોણ છે ?

આખી જિંદગી જેના માટે જેટલું ભેગું કર્યું એ લોકો અને એમની બધી જ સંપત્તિ છોડીને જવું પડશે. 

બસ આ વૈરાગ્યરૂપી વિચાર જ સો ગણુ પૂણ્ય મળવાનું કારણ છે.

પૂજ્ય ડોંગરેજી મહારાજ પોતાની સાથે એક લાલજી રાખતા અને તેમની સેવા-પૂજા કરતા. અને એવું કહેતા કે, "જોવા જેવો તો એક આ લાલજી છે."

પરમાત્મા સાથેના અચળ અને અવિનાશી સંબંધના આપણી સામે ઘણા બધા ઉદાહરણો છે. એ પછી મીરાબાઈ હોય, ગોપીઓ હોય, રાધા હોય, શબરી હોય કે પછી નરસિંહ મહેતા હોય. ધરમપુરના કુશળકુંવર બાઈ હોય કે પાનબાઈ હોય, ભક્ત પ્રહલાદ હોય કે પછી દરબારગઢના દાદા ખાચર હોય. આ બધા મુક્તપુરુષોએ સગપણ તો કર્યું પણ હરિવર સાથે...!

એટલે જ કવિ સમ્રાટ શ્રીજી સખા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની કલમ એમ કહે છે કે;

" રે સગપણ હરિવરનું સાચું, 

બીજું સર્વે ક્ષણભંગુર કાચું..."


Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

"......."