"મધુરભર્યા સત્યની સંગાથે..."

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !
 

સંતાન એ પરમાત્માનું એક અપ્રતિમ સર્જન છે. તે ચૈતન્ય છે યંત્રવત નથી એ વાત આજના માવતર સ્વીકારવા તૈયાર નથી. વર્તમાન સમયમાં ઓલ ઇન વનમાં માનનારા વાલીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. “મારા બાળકને બધું જ આવડવું જોઈએ…!” વાલીઓ એવી ખોટી જિદ્દને વળગી બેઠા હોય છે. એમને બધા વિટામિન એક જ ફળમાંથી હડપી લેવા છે. એમની આશાઓ આકાશને આંબે એવડી હોય છે, એટલી ઊંચી કે વાસ્તવિકતા જમીન પર જ રહી જાય છે.

પરમાત્માના સર્જનની ખાસ વાત એ છે કે એનું સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. એ અધૂરું બનાવવામાં માનનારો સર્જક છે. હા… એ પૂર્ણતાને પામવાની શક્તિ અવશ્ય પ્રદાન કરે છે પરંતુ પ્રયાસ એના સર્જન પર છોડે છે.

વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમ અને આત્મહત્યા જેવી કપરી સમસ્યાઓનો આંક સદંતર વધતો જાય છે એમાં મોટા અંશે માવતરનો હાથ છે.

હજુ વસુંધરાના ખોળે પગ પણ ન મૂક્યો હોય અને તેના માતા-પિતા ‘મારું બાળક શું બનશે?’ એવો જબરદસ્ત એમ્બિશન ક્રિએટ કરી નાખતા હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એવી પણ શાળાઓ છે જ્યાં ગર્ભમાં પોષણ પામી રહેલા બાળકનું નામ શાળાના એડમિશનના વેઇટિંગ લિસ્ટમાં પડ્યું હોય અને પેરેટ્ન્સ ડોનેશન દ્વારા તેને ફાઈનલ યાદીમાં નક્કી કરાવવાની મથામણમાં લાગી પડ્યા છે. ૪ વર્ષના બાળકને ઝટ ભણીને પોપટ બનાવી દેવાની ઘેલછા રાખનારા મા-બાપને જ્યારે સંતાનો ઝટ ઘરડાઘરમાં મોકલવા મથતા હોય ત્યારે ભૂતકાળમાં કરેલી ઉતાવળ યાદ આવે છે. એકાદ માર્ક્સ ઓછો આવે તો લૂઝર તરીકેનું આઈકાર્ડ ચિપકાવી દેનારા વાલીઓ પોતાના જ સંતાનોના શત્રુ સાબિત થાય છે. શાળા, ટ્યુશન અને વળી પાછું હોમવર્ક… ચોવીસેય કલાક માવતરોની ગુલામીથી કંટાળીને સંતાનના માનસમાં પરિવાર પ્રત્યે નફરત પેદા થવાની એ વાત નક્કી જ છે.

‘દુનિયાનો છેડો ઘર’ એ ઉક્તિ ત્યારે જ સાચી પડે જ્યારે ઘર નોળિયાના નોરવેલ જેવું હોય. કેમ કે દુનિયાથી થાકેલો માણસ શાંતિ મેળવવા ઘેર જાય પરંતુ ઘેરથી થાકેલો માણસ ક્યાં જાય?? ઘેરથી આખો દિવસ હદ બહારનું માનસિક પ્રેશર આપતા હોય. ‘જિંદગીની માલીપા તું કાંઈ જ નહીં કરી શકે’ એવું ફક્ત એ એક ઘટનાના માપદંડથી માપી લેતા હોય છે. પોતાના છોકરાઓની પાડોશીના છોકરા જોડે સરખામણી કરવામાં જરાય પાછા પડતા નથી. હજુ ૨૦ વર્ષ માંડ પૂરા કર્યા હોય ત્યાં જટ પરણાવી દેવાની ધૂનમાં લાગી પડ્યા હોય છે.

પોતાની ઈચ્છાઓનો બોજ કુમળા બાળક પર ઠોકી બેસાડનારા માવતરને એટલો જ પ્રશ્ન છે કે, “શું પરમાત્માના જે સર્જનમાં તમારું લોહી વહે છે તેને પોતાના અસ્તિત્વને માણવાનો જરા પણ અધિકાર નથી? તેને આગવી રીતે ખીલવાનું મોકળું મેદાન આપવાને બદલે તેને હડધૂત કરી મૂરઝાવી નાખવાનું પાપ કરતા તમારું હ્રદય નથી કાંપતું? શું તમે બાળક પેદા કરતા પહેલા ખરા અર્થમાં માતા-પિતાની વિભાવના સમજ્યાં છો?”

એવા પણ પ્રસંગો છે જેમાં માવતરો માવતર કહેવાને લાયક નથી પરંતુ સંતાને સાચા અર્થમાં પુત્ર કે પુત્રી હોવાનો ધર્મ નિભાવ્યો છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ ઉક્તિ ઊલટી સાબિત થઈ હોય એવું લાગ્યા કરે છે.

હિરણ્યકશિપુ બાપ કે’વાને લાયક નહોતો છતાં પ્રહલાદે પોતાનો સંતાન ધર્મ પૂર્ણ નિષ્ઠાથી નિભાવ્યો છે. અમાપ પીડા, પોતાના જ પુત્રને મૃત્યુના ઘાટ ઉતારવા અનેક પ્રયત્નો છતાં પણ પ્રહલાદ પોતાના પિતા સામે જ્યારે પણ પેશ આવે ત્યારે હાથ જોડી વંદન કરતા. હિરણ્યકશિપુના ક્રોધી સ્વાભાવ સામે શાંત રહ્યા, અનેક કપરી પરિક્ષાઓમાં પણ પરમતત્વ પરથી અણુ જેટલો વિશ્વાસ વિચલિત નથી થયો. આશરે અઢીસો વર્ષ પહેલાનો આવો જ એક પ્રસંગ સૂપેડી ગામના માંડ મૂછનો દોરો ફૂટેલા છોકરડા ડાયાનો છે. પિતા તરફથી અનેક દુઃખો આપવા છતા પ્રભુભક્તિમાં અડગ રહ્યા.

આદિ અનાદિકાળથી ચાલતી આવનારી સંતાનો પર જૂલમ આચરવાની માવતરોની કુપ્રથાનું પ્રમાણ કળયુગમાં કૂદક ને ભૂંસકે વધી રહ્યું છે. મારું બાળક મારી મરજી મુજબનું જ જીવન જીવે એવી રાક્ષસી માનસિકતા માવતરોના માનસમાં ઘર કરી ગઈ છે ને એની વચ્ચે પણ કેટલાક સંતાન સુંગધ પ્રસરાવવા જજૂમતા હોય છે ને કેટલાક હારીને ખરી પણ પડે છે. હવે એમ કહીએ તો જરા પણ ખોટું નથી કે માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !!

- મિત પટેલ

 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

શિરોમણી સરદાર || Sardar Patel

"......."