"મધુરભર્યા સત્યની સંગાથે..."

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !

માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ન થાય !   સંતાન એ પરમાત્માનું એક અપ્રતિમ સર્જન છે. તે ચૈતન્ય છે યંત્રવત નથી એ વાત આજના માવતર સ્વીકારવા તૈયાર નથી. વર્તમાન સમયમાં ઓલ ઇન વનમાં માનનારા વાલીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. “મારા બાળકને બધું જ આવડવું જોઈએ…!” વાલીઓ એવી ખોટી જિદ્દને વળગી બેઠા હોય છે. એમને બધા વિટામિન એક જ ફળમાંથી હડપી લેવા છે. એમની આશાઓ આકાશને આંબે એવડી હોય છે, એટલી ઊંચી કે વાસ્તવિકતા જમીન પર જ રહી જાય છે. પરમાત્માના સર્જનની ખાસ વાત એ છે કે એનું સર્જન ક્યારેય સંપૂર્ણ નથી હોતું. એ અધૂરું બનાવવામાં માનનારો સર્જક છે. હા… એ પૂર્ણતાને પામવાની શક્તિ અવશ્ય પ્રદાન કરે છે પરંતુ પ્રયાસ એના સર્જન પર છોડે છે. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમ અને આત્મહત્યા જેવી કપરી સમસ્યાઓનો આંક સદંતર વધતો જાય છે એમાં મોટા અંશે માવતરનો હાથ છે. હજુ વસુંધરાના ખોળે પગ પણ ન મૂક્યો હોય અને તેના માતા-પિતા ‘મારું બાળક શું બનશે?’ એવો જબરદસ્ત એમ્બિશન ક્રિએટ કરી નાખતા હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એવી પણ શાળાઓ છે જ્યાં ગર્ભમાં પોષણ પામી રહેલા બાળકનું નામ શાળાના એડમિશનના વેઇટિંગ લિસ્ટમાં પડ્યું હોય અને ...

Self love = અંતર્મુખ વૃત્તિ...! (ભૌતિકતાની સાથે અધ્યાત્મિકતા.)


 

"Self love = અંતર્મુખ વૃત્તિ...! "


      ગત છેલ્લા અમુક દિવસોમાં મને જો સૌથી કોઈ વધુ શબ્દ સાંભળવા મળ્યો હોય તો એ છે - " સેલ્ફ લવ(Self love). " મિત્રો પાસેથી, મોટીવેશન સેમિનારોમાં, મોટીવેશનલ સ્પીકરો પાસેથી, સલાહકારો તરફથી મળતી મફતની સલાહોમાં, દૈનિક અખબારોમાં, કોઈ જૂથ ચર્ચામાં કે ફોન પર વાતોમાં... એટલી હદે અને એટલી વખત આ શબ્દ સાંભળ્યો કે આખરે મને સેલ્ફ લવ શબ્દના ઊંડાણ સુધી જાણવા મજબુર કરી જ દીધો.


સેલ્ફ લવ એક અંગ્રેજી શબ્દ છે. જેનો ગુજરાતીમાં સીધો સાદો અર્થ થાય છે - ખુદને પ્રેમ કરવો. 


જે લોકો ખરેખર પોતાના જીવનમાં સેલ્ફ લવ કરવાની બાબતમાં પોતાના સ્તર પર ગ્રોથ કરી રહ્યા છે. એ લોકો પાસેથી ` સેલ્ફ લવ શું છે ? ' એ બાબતે વધુ જાણકારી લેવાનો પ્રયત્ન કર્યો. બધા લોકોએ પોતાના મત પ્રમાણે જે અભિપ્રાયો રજૂ કર્યા. એ વાત પરથી હું એક એ નિષ્કર્ષ સુધી પહોંચ્યો કે, સેલ્ફ લવ એટલે ખુદને પ્રેમ કરવો. બહારના લોકો મારા વિશે શું વિચારશે..? , મને કેવો જજ કરશે.. ? એની ચિંતા ન કરતા પરમાત્માએ આપેલી કળા કૌશલ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, `જેને દુનિયાના અભિપ્રાયોથી ઓછો ફરક પડતો હોય એ સેલ્ફ લવ કરે છે એમ કહેવાય.'


જ્યારે હું આ નિષ્કર્ષ સુધી પહોંચ્યો ત્યારે મને આશ્ચર્ય એ વાતનું થયું કે, આ બધી વાત આજથી વર્ષો પહેલા આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફથી મળેલા વચનામૃત અને ભગવદગીતા જેવા ગ્રંથમાં લખાયેલી જ છે. સાથે-સાથે સંતોના મુખકમળ દ્વારા કથામૃતમાં પણ અનેક વખત આ શબ્દ મારા કાને સાંભળ્યો છે અને એ શબ્દ એટલે - અંતર્મુખ વૃત્તિ. હા...! અંતર્મુખ વૃત્તિ, જેને અત્યારની આધુનિક જનરેશનના લોકો સેલ્ફ લવ કહે છે.


એક વાત દુઃખ સાથે લખવી પડે છે કે, આજની આ આધુનિક અને હાઈ-ફાઈ જનરેશન પોતાના મનમાં સેલ્ફ લવને કાંઈક જુદી જ રીતે સમજીને બેઠી છે, જ્યારે આપણાં શાસ્ત્રો અને સંતો જે અંતર્મુખ વૃત્તિની વાત કરે છે એનાથી કાંઈક અલગ જ અમલ થઈ રહ્યો છે.


સેલ્ફ લવ એટલે એવી ભાવના નહી કે, મારો હેતુ કોઈ પણ ભોગે સિદ્ધ થવો જોઈએ લોકોનું જે થવું હોય તે થાય. બસ માત્ર ખુદને જ કર્તા સમજી, ખુદ વિશે જ વિચારી, ખુદને જ પ્રેમ કરવો. ના..! આવી સ્વાર્થી વૃત્તિને કારણે સેલ્ફ લવનું એક મુખોટું પહેરી અને લોકો સેલ્ફીસ થઈ રહ્યા છે.


સેલ્ફ લવ એટલે માત્ર ખુદની જ સેવા, ચાકરી, પરિચયા કર્યા કરવી આખો દિવસ, એ નહીં પરંતુ ખુદની સાથે પરોપકારી જીવન જીવવું એટલે સેલ્ફ લવ. `જે ખુદને પ્રેમ કરો છો એ ખુદમાં પરમાત્માનું દર્શન અને નિવાસ છે. ' - એવી સમજણ એટલે સેલ્ફ લવ.


વચનામૃત અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવાં શાસ્ત્રો અને ભારત દેશના આદર્શ સંતપુરુષો એમ કહે છે - મનુષ્યએ પોતાની અંદર રહેલા આત્માને વિશે પરમાત્માનું દર્શન કરવું જોઈએ અને એને ચાહવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિનજરૂરી બહારીય વૃત્તિ સંકેલીને પોતાના આત્માને વિષે રહેલા પરમાત્મા તરફ જોડવી જોઈએ. અને પરોપકારી જીવન જીવવું જોઈએ. જેને કહેવાય છે અંતર્મુખ વૃત્તિ.


હા...આ અંતર્મુખ વૃત્તિ એટલે જ આજનો સેલ્ફ લવ. પણ જો તેનો શાસ્ત્રોક્ત રીતે અમલ કરીએ તો ખરો સેલ્ફ લવ.


માત્ર પોતા પૂરતું સિમિત નહિ રાખતા, થઈ શકે એટલી પરોપકારની ભાવનાં રાખી, ખુદની અંદર બિરાજમાન પ્રભુને રાજી કરી એને ચાહવાનો પ્રયત્ન કરીશું તો સેલ્ફને ચાહવાના પ્રયત્નો નહી કરવા પડે પરંતુ તમારી સેલ્ફમાં રહેલાં પરમાત્મા સામેથી તમને ચાહશે...



~ MEET BHAGAT 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

શિરોમણી સરદાર || Sardar Patel

"......."