સંધ્યા સંગાથે || Evening

" એક અનોખી દુશ્મની "
DEAR દુશ્મન...!
`એવી તે વળી કેવી દુશ્મની...?' આ શીર્ષકનું નામ વાંચતાની સાથે તમને પણ આ પ્રશ્ન જરૂર થયો હશે.
દુશ્મન શબ્દ એ દોસ્તનો વિરુદ્ધાર્થી શબ્દ છે. સામાન્યતઃ આપણે જોયું કે અનુભવ્યુ હશે. દુશ્મનીમાં એકબીજા પ્રત્યે ઘૃણા ને નફરતનો ભાવ વધારે રહેલો હોય છે. કદાચ કુદરતના કમનસીબે બંને એકબીજા સામે મળી પણ જાય તો આંખો કરડી કરી મોં ફેરવી નાખતા હોય છે. ક્યારેક અચાનક કોઈ પ્રસંગે વર્ષો પહેલાંના દુશ્મનને વર્ષો પછી મળવાનું થાય ત્યારે બધાની સામે પોતાની દુશ્મની (નફરતનો ભાવ) છુપાવવાની કોશિશ બંને તરફથી થતી હોય છે ત્યાં વળી મોટો પ્રશ્ન એ ઊભો થાય, પોતાના દુશ્મનની સામે જઈને બધાની વચ્ચે વાત કરવાની શરૂઆત કયા મોઢે (એંગલથી) કરવી ? આ બધા દ્રશ્યો માનવીના આમ જીવનમાં મેં અને તમે સૌ કોઈએ અવશ્ય નિહાળ્યાં હશે.
પણ આજે વાત કરવી છે એક સાવ અનોખી દુશ્મનીની. કદાચ તમને પણ આવી દુશ્મની ભાગ્યે જ જોવા મળી હશે. કે જે દુશ્મનીમાં નફરતની પાછળ પ્રેમ અને ઘૃણાની પાછળ હિત છુપાયેલું હોય. ચાલો.. જરા ડોકિયું તો કરીએ એવા પ્રસંગમાં.
મહેશ અને ખગેશ નામના બે પાક્કા ભાઈબંધ હતા. બાળપણમાં સાથે રમેલા, સાથે જમેલાં, એક શાળામાં સાથે ભણેલા એ પણ એક પાટલી પર બેસીને. બંને એક દમ જીગરજાન દોસ્ત. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એક જ શાળામાં એક સાથે પૂર્ણ થયા પછી ઉચ્ચતર અભ્યાસ માટે બંને એક જ શહેરમાં અભ્યાસ માટે ગયા. કારણોસર મહેશ અને ખગેશ બંનેને અલગ-અલગ શાળામાં પ્રવેશ મળ્યો. સમય જતા મહેશ અને ખગેશ બંને વચ્ચે કાંઈક કારણોસર મનભેદ થયો અને મિત્રતાની દીવાલ પર તિરાડ પડી ગઈ. આ ઝગડો આશરે બે-ત્રણ મહિના સુધી ચાલ્યો. અરે...! અંતમાં તો બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. પરસ્પર એકાદ-બીજાના નામ પ્રત્યે પણ હદ વગરની ઘૃણા, નફરત. મહેશને ખગેશના નામથી અને ખગેશને મહેશના નામથી. આમ ચાલ્યા કર્યુ થોડાક દિવસો.
જેની સાથે બાળપણના દિવસો વિતાવ્યા હોય, શાળામાં રહેલી પાટલી પર સાથે બેસીને ભણ્યાની ને મસ્તી કર્યાની યાદો કેમ ભુલાય...! પણ હવે એ માયલું કાંઈ જ રહ્યું ન હતું. મહેશ અને ખગેશ બંનેને એ દિવસો યાદ આવતા હતાં. બંને એકબીજાને ખૂબ જ મિસ કરે છે પણ હવે એકા-બીજાને કહેવું કેમ ? વાતની શરૂઆત ક્યાંથી કરવી ? અને પ્રથમ શરૂઆત કરે કોણ ? રૂબરૂ મળી શકાય એવું તો હતું નહીં. આ ટેકનોલોજીના યુગમાં લાગણીભીના પત્રોનું સ્થાન લેનાર વોટ્સેપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકનો સહારો આ મહેશે પણ લીધો. અચાનક જ ઘણા સમય પછી મહેશે ખગેશને વોટ્સેપ પર hii...નો મેસેજ કર્યો. જાણે કે બંને એક બીજાના મનની વાતને સમજી ગયા હોય ને.
મહેશ: hii...ખગેશ કેમ છે તું ?
ખગેશ : Hello.... હું તો મજામાં હો... બોલ મહેશ આટલા ટાઈમ પછી અચાનક કાં યાદ કર્યો વળી ?
મહેશ: આમ તો ખાસ કાંઈ નઇ. મિત્રતા તૂટી એનો ખાસ્સો સમય થઇ ગયો. છતાં પણ તારા જેવા આ દુનિયામાં જીવે છે. એ ભગવાનની ભૂલ કે'વાય; એવું નથી લાગતું તને...! અને એનો અફસોસ તો મને પણ છે.
ખગેશ : હાં..હો..તું ભગવાનને એવી જ પ્રાર્થના કર. હું મરી જાવ ઈ તો તને બઉ ગમે કાં ને...! પણ સાંભળી લે. હું જઈશ તો સાથે તને પણ લેતો જવાનો છું, બાળપણમાં સાથે રમ્યા, જમ્યા ને એક પાટલી પર બેસીને ભણ્યા. તો હું શું કામ એકલો જાઉં ? અને વળી સજા તો મારા કરતાં તને ઝાઝી મલવી જોઈએ.
મહેશ : તું એક વાર મળ્ય...તારી વાત છે. તને દેખાડું કે કોને ઝાઝી સજા મલવી જોઈ... ભેગો થા કો'ક દિ'...!
કુદરતને કરવું ને એક દિવસ મહેશ અને ખગેશ બંને રસ્તા પર સામ-સામા મળી ગયા. આંખ સાથે આંખ મિલાવવાનો સાહસ તો ન થયો પણ બંને મિત્રો નજીક આવતા અચાનક જ ભેટી પડ્યા. કેવી રીતે થયું ?, શું થયું ? કાંઈ જ ખબર ના પડી. વર્ષો બાદ મળેલા સાથને યાદ કરી રહેલી આંખો આંસુ રોકવાનો પ્રયત્ન બંને તરફથી કરતી હતી. હિંમત કરીને મજાકમાં મહેશે પૂછી જ નાખ્યું, " તું હજુ જીવે છે ખગેશ...!" પ્રત્યુતરમાં ખગેશે કહ્યું કે, " તારા જેવા ડિઅર દુશ્મનને એકલો મૂકી ને શા માટે વયો જઉં...?" બાળપણ સાથે વિતાવ્યું છે તો વૃદ્ધાઅવસ્થા પણ સાથે જ વિતાવવાની થાય છે. જે થાય તે તોડી લેજે જા...!
આમ આ મહેશ અને ખગેશ બંનેની દુશ્મનીમાં અંતિમ શ્વાસ સુધી દોસ્તી છુપાયેલી રહી. અને હવે પછી મહેશ અને ખગેશ જ્યારે પણ મળે કે જ્યારે પણ વાત થાય ત્યારે કેમ છે ? ની સાથે બંને માટે બંને તરફથી એક જ સંબોધન પ્રયોજાતું, DEAR દુશ્મન....!
~ MEET BHAGAT..
Comments
Post a Comment
Thanks for comments