"મધુરભર્યા સત્યની સંગાથે..."

ડિયર ડાયરી || Latter to Diary


ડિયર ડાયરી,

          આજે તારા જ પાને તને સંબોધીને પત્ર લખી રહ્યો છું. તારા પેજને શબ્દોથી શણગારવું કોને ન ગમે!

તું ખરેખર વિશાળ હ્રદયની છે. તું બધાયની સારી-નરસી વાતો પચાવી જાણે છે. અને કદાચ એટલે જ તું લોકોનું પ્રિય પાત્ર છું. શ્રીમદ ભગવદ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞતાનો ગુણ સિદ્ધ કરવાની વાત કરી છે તે ગુણ તને ગળથૂથીમાં મળેલો છે. કેમ કે તારામાં કોઈ પ્રેમનું નિરૂપણ કરે કે વિરહનું, તારો રંગ રંચ માત્ર બદલાતો નથી.

મારે તને એક વાત પૂછવી છે – “લોકો પોતાની વાતો તને કહે છે. તું દરેકની વાતો સાચવીને રાખે છે પરંતુ તું તારી વાતો કોને કહે છે? શું તને ક્યારેય હૈયું હળવું કરવાનું મન નથી થતું? કોઈ ભારેખમ ભાવ વાળો શબ્દ તારા સુંવાળા પેજ પર આલેખી દે તો તને તે લાગણીઓનો વજન નથી લાગતો? તું એ લાગણીભીના શબ્દોને સમજી શકે છે ખરા?” લાગે છે કે ખાલી થવું તારા સ્વભાવમાં જ નથી. તે મનુષ્ય કરતા પણ ચડિયાતી મહાનતા આત્મસાત કરી છે.

મને કોઈ પૂછે કે જ્ઞાનનો અખૂટ ભંડાર કોની પાસે છે? દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે? તો હું એક જ શબ્દમાં પ્રત્યુત્તર આપું – ‘ડાયરી!’ કારણ કે તારી પાસે કેટલીયે અપ્રગટ થયેલી વાતો સંઘરાયેલી ને સચવાયેલી પડી છે. તારામાં લેખકોના લેખો, કવિઓની ગઝલો, પ્રેમીઓના પ્રેમપત્રો, ધંધાદારીઓનું નામુ, કોર્પોરેટરોની સ્ટ્રેટેજી, રાજકારણીઓના ભાષણો, અભણ ભાભા અને માજીઓએ કોઈની પાસે લખાવેલા ફોન નંબરો વગેરે વગેરે અઢળક ખજાનો પડ્યો છે. સમાજને ડોક્ટરની ડાયરી અને મહાદેવભાઈ દેસાઈની ડાયરી જેવા પુસ્તકો મળી શક્યા હોય તો એ તને આભારી છે. માનવ સમાજને કેટલીક અદ્ભુત નવલકથાઓ મળી એ તારી દેન છે. તારા કારણે જ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો સચવાયા છે. તું તો હર્ષ, શોક, ભય, ગુસ્સો… બધા ભાવોનું સંગમ સ્થાન છે. મારા મતે સૌથી સસ્તુ અને વિશાળ ગોડાઉન એટલે ડાયરી!

જોકે અત્યારે આધુનિક યુગનો જમાનો છે, હવે નોંધપોથી નહી બલ્કે વર્ચ્યુઅલ નોટ્સ વધુ ટ્રેન્ડમાં છે. જ્યારે કોઈ સર્જક નોંધપોથીના કાગળ પર પોતાના મનોભાવની કોતરણી કરે ત્યારે તનેય ગલીપચી થતી હશેને..!! મોર્ડનાઈઝેશનમાં પત્રોનું સ્થાન ઈ-મેઇલ અને ચેટિંગે છીનવી લીધુ છે, ને કદાચ એટલે જ હવે ચીટિંગનું પ્રમાણ વધ્યું છે.

એ પણ એક જમાનો હતો જ્યારે ડાયરીને ડાબી બાજુના ખીસ્સામાં રખાતી. એક પેઢી એવી પણ રહી છે જે એના પીળા પળી ગયેલા પેજની વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીને સાચવતા ને કદાચ એટલે જ એ પેઢી શાસ્ત્ર અને સંપત્તિ વચ્ચે સંતુલન સાધવામાં જનરેશન ઝેડ કરતા વધારે સફળ રહી છે.

જ્યારે જળ સાથે તારુ મિલન થાય ત્યારે જાણે વર્ષોથી રાહ જોતા પ્રેમીયુગલોનું મિલન થયું હોય અને ડૂસકું ભરીને રડતા અશ્રુ ગાલ ભીંજવી મૂકે એમ પાણી તને પલાળી મૂકે છે. એ વખતે તારામાં સંઘરાયેલી શાહી તારા સફેદ પેજમાં ઉમંગનો રંગ રેલાવતી હશે..? કે અંતરપટમાં સચવાયેલા શબ્દો શૂન્યતાને પામી ચૂકતાં હશે..? શાયદ એ ભાવુક મિલનની કલ્પના કરવી માનવીના ગજા બહારની વાત છે. અમે તો ફ્કત એટલું જ જાણી શકીએ કે પલળેલું પાનું તારી સ્થિતપ્રજ્ઞતાનું પ્રમાણ છે.

તે ક્યારેય કોઈને ના નથી કહી. લખનાર અને તેની લાગણી જેવા છે તેવા સહર્ષતા સાથે બંન્નેને સ્વીકાર્યા છે. તારામાં હિલોળે ચડેલા મનને શાંત કરવાની શક્તિ છે. તું એકલતાની અણીએ પહોંચેલાની હૂંફ છું, શોકમાં ડૂબેલાની નાવ છું, રાહ ભટકેલા ખલાસીની દીવાદાંડી છું, સુખ-દુઃખની સાથી છું.

ખેર, ડાયરીમાં ડાયરી વિશે લખવું એ શિયાળાને સ્નો પાર્કમાં લઈ જવા જેવું કહેવાય. અંતે, તારા પન્ને લખેલું તારા સરનામે તને જ અર્પણ.

 

લિ.

તારી વાતોને વાચા આપનાર સર્જક        

 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."

સ્મિતની કમાણી..!