"મધુરભર્યા સત્યની સંગાથે..."

સંધ્યા સંગાથે || Evening


"સંધ્યા સંગાથે"


જ્યારે હિરણ્યકશિપુની તપશ્ચર્યાથી ભગવાન તેના પર પ્રસન્ન થયા ત્યારે તેણે અમરત્વ પ્રાપ્ત કરવા એવું વરદાન માંગેલુ કે, “દિવસે ન મરું, રાતે ન મરું, લીલે ન મરું, સૂકે ન મરું, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, પશુ-પક્ષીથી ન મરું…. વગેરે વગેરે માંગણીઓ વરદાનમાં મૂકી. ભગવાને કહ્યું, “તથાસ્તુ!”

જેમ હિરણ્યકશિપુ ભૂલી ગયો તેમ કેટલાક કોર્પોરેટ પર્સન પણ ભૂલી જાય છે કે ચોવીસ કલાકના આઠ પ્રહરમાં સંધ્યા જેવો પણ એક સમય હોય છે. દિવસ અને રાતનું મિલન થતો નજારો જોવાનું કેટલાકના ભાગ્યમાં લખાયું જ નથી હોતું. સવારે કામ રાતે આરામ અને સમય મળે ત્યારે પેટપૂજા. એ લોકોને ચાર દિવાલો વચ્ચેની હવા વધુ માફક આવી ગઈ હોય છે. 

સંધ્યા અર્થાત સંધિ થવી. સંધ્યા એ મિલનનો પર્યાય છે કેમ કે તેનું સર્જન પ્રભાત અને રજનીના મિલનનું કેન્દ્ર છે.

દિવસ ઉગતે સૂરજ એકદમ તાજગીના મિજાજમાં હોય છે, આપણી પજવણીના કારણે બપોર પડતા લાલઘૂમ થઈ જાય અને સાંજ પડતા એ બધું જ ભૂલીને એકદમ શાંત ને નિર્મળ થઈ જાય. જીવાત્મા માંહે ત્યાગ અને વૈરાગ્ય ઉદય થવામાં સંધ્યા મુખ્ય ભાગ ભજવે છે. સમી સાંજનો સમય જિંદગીની સફરમાં રહેલી વાસ્તવિકતાથી વાકેફ કરે છે.

સમી સાંજનો સંગાથ મને ગમે છે કારણ કે એનું આજના દિવસનું છેલ્લું સ્મિત માંહેલી કોરની નિરાશાને આશાથી પ્રફૂલ્લિત કરી મૂકે છે. વિદાય વખતની વેદના સમયે એના આછા સ્મિત પાછળ સંતાડેલી મજબૂરી અને છતાંય સ્વધર્મ, ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહેવાની તકેદારી હંમેશા મને તેના તરફ આકર્ષે છે.

સંધ્યાની સાદાઈ સાથે મને અદમ્ય પ્રેમ થઈ ગયો છે. વૃદ્ધત્વના વળાંકે પહોંચેલા વયોવૃદ્ધની જુવાની પાછી આવે એમ અગનમાં રહેલો ભાનુ સાંજ પડ્યે ખીલી ઉઠે છે. સંધ્યાને ખીલવું ગમે છે ને મને એની સામે ખૂલવું ગમે છે, આ અમારા બંનેની સામ્યતા છે.

સંધ્યામાં શાંતિરસ સમાયેલો છે એટલો જ રૌદ્રરસ પણ સમાયેલો છે. તેનો ગુસ્સો હંમેશા મને પ્રેમથી પલાળી મૂકે છે. એની પાસે ગુસ્સાથી પ્રેમ કરવાની આવડત અદ્ભુત છે. એ રિસાય ત્યારે એને મનાવવામાં નવનેજા પાણી ચડી જાય અને રિસાયેલાને મનાવતા એને અજબ-ગજબનું આવડે છે. 

મોટા ભાગના રિસામણાં-મનામણાંના ઉકેલો સાંજને ફાળે જાય છે. આખા દિવસનો ગુસ્સો સંધ્યાની સાક્ષી એ શાંત થઈ શકે છે. દરિયા કિનારે યા તો સાંયકાળના પ્રકાશથી ચમકતા ઉપવનમાં બેઠેલા કોઈ પ્રેમીયુગલો દિલ ખોલીને એકબીજાના હાથ પકડી બાજુમાં બેસી મૌનને માણી શકે છે.

લેખક કે કવિની કલમ સંધ્યા સમયે અનોખી મહોરે છે. એની સર્જકતા આથમતા અહસ્કરના કિરણોથી દૈદીપ્યમાન થઈ ઊઠે છે. 

એની ચાલ ભલભલાને મોહ પમાડનારી છે. એને એકીટશે નિહાળી રહેલા માનવને એની ગતિનો અણસાર શુદ્ધા ન આવવા દે. નરી આંખે જોઈ શકીએ તેમ આપણી નજર સમક્ષથી સરકી જાય ને એનો આભાસ એના ગયા પછી થાય. અંતે એની ગેરહાજરીનો અહેસાસ થયા પછી ઊંડો શ્વાસ લઈ નિસાસો નાખી “કલ સજધજ કે યે વક્ત કે સાથ વો ફિર વાપસ આયેગી..!” એવી આશાએ મનને મનાવી આગળના સમય સાથે જોતરાઈ જવું પડે છે.

“આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,

તું મારામાં ઉતર હું સાતમા પાતાળ જેવો છું..”

-પદ્મશ્રી ખલીલ ધનતેજવી

ખલીલ સાહેબની આ પંક્તિ કદાચ આથમતા સૂરજ માટે જ બની હશે. સંધ્યા વેળાના સૂર્યને સમજવો એ દરિયાની ગહનતા માપવા જેવું છે. જો એ સૂર્યાસ્ત પામતા રવિને ન સમજી શકાય તો એને સર્જેલા માયાવી વાતવરણને તો ક્યાંથી સમજી શકાય?? એટલે જ સંધ્યાને ક્યારેય કોઈ ચોક્કસ ચોકઠામાં બેસાડી શકાતી નથી. એને સમજવામાં ભલભલા ભૂલા પડી જાય છે. તેનો આકાર છે છતાંય તે નિરાકાર વર્તે છે. જેનો સ્વાદ જીભ વડે ચાખીને નહી પણ આંખમાં ઉતારીને માણી શકાય; ને એને વળી નિસ્વાદની શ્રેણીમાં કઈ રીતે ગણવી..! એ એકરુપી હોવા છતાંય બહુરુપી છે કેમ કે ગામડામાં રહેતા લોકોની સંધ્યા અલગ છે અને શહેરમાં રહેતા લોકોની સંધ્યા અલગ છે. કેટલાકના મિલનનું પ્રમાણ બને છે તો કોઈની વિદાય વેળાની સાક્ષી.

ગુમાવ્યું છે યા તો ગુમાવવા જેવું કશું રહ્યું જ નથી યા તો બધું જ મેળવી લીધું છે એ સૌ સંધ્યા સામે મીટ માંડીને જાતમાં ઊંડા ઊતરી જતા જોવા મળે. ખોટા પ્રશ્નોના તરંગોને શાંત કરવાની અને સાચા પ્રશ્નોના તરંગોને ઉઠાડવાની તાકાત સંધ્યામાં ગજબની છે. સંધ્યા સમયે પહોંચેલો સૂર્ય ભલે વિટામિન D ન આપી શકે પરંતુ વિવિધ સમસ્યાઓને શાંત કરવાની જડીબુટ્ટી અવશ્ય આપી શકે છે.

દંભ કરવાનો સ્વભાવ એનામાં જન્મથી જ નથી. જેવું છે તેવું દેખાવવું એ ગુણ એને ગળથૂંથીમાં મળ્યો છે. ‘મારો આશ્રય તમારા માટે હિતાવહ છે’ એવો દેખાડો કરવાની આશા રજમાત્ર નથી. જે સામેથી આવે એમને સ્વનો સંગાથ સાધવામાં મદદ કરવાની એ એનો જીવનમંત્ર છે.

સંધ્યા શરમાળ છે એ વાત વાદળથી ઘેરાયેલા આકાશને જોયા પછી જ સમજાય. પોતે આટલી સરસ દેખાવડી છે એ વાત સંધ્યા સ્વયં હજમ નથી કરી શકતી. વધુ પડતા વરસાદના બુંદથી શરમાઈને એ વાદળ પાછળ સંતાઈ જાય છે. વાદળે સંધ્યાને ઢાંકી રાખી છે એ વાતનો વાદળને અહં ન બંધાઈ જાય એટલા માટે તે ઘટાદાર વાદળીઓમાંય ક્યાંક ક્યાંક ઝબૂકતી રહે છે. જેમ પરિવાર સાથે છોકરી જોવા આવેલો છોકરો પોતાનો પ્રિયતમ નીકળે ને એ જોયા પછી પેલો છોકરો હસતાં મોઢે પરિવાર સાથે ઘેર પરત જાય ત્યારે ઘરના એક રૂમમાં સંતાયેલી શરમાળ છોકરી જેમ ઓસરીમાં આવીને ઘેલી બને તેમ સંધ્યા વરસાદ વરસી ગયા પછી સોળેય કળાએ ખીલી ઉઠે છે અને ત્યારે મેઘધનુષ્યનું અલૌકિક સર્જન થાય છે. તે સપ્ત રંગો સપ્તપદીના શ્લોક સુધી પહોંચવામાં મળેલી સફળતા પાછળ ઢંકાયેલા સંઘર્ષના છે.

સંધ્યાને કોઈ એક ચોક્ક્સ સંબંધનું નામ આપી શકાય એમ છે જ નહીં. કેમ કે તે અનાથ માટે માવતર બની જાય છે, પ્રેમી માટે પ્રિયત્તમ બની જાય છે, વૃદ્ધો માટે વૃદ્ધત્વને છાજે એવું વૃદ્ધત્વ સ્વીકારી લે છે, ભેરુ માટે ભાઈબંધ બની જાય છે, સુખ કે દુઃખ વેચવાં ઈચ્છતા માનવીની ભાગીદાર બની જાય છે… ટૂંકમાં એના આશરે જે આવે તેની સાથે તે ભળી જાય. છતાંય તે પોતાના સ્વને જરાય ઝાંખો થવાં દેતી નથી કારણ કે સંધ્યા એ સંધ્યા છે. સંધ્યાનો સંગાથ એટલે મને ગમે છે કેમ કે એને હું ગમું છું. તેને મળવા જેટલો હું અધીરો થાઉં છું એટલી જ મને જોવા સંધ્યા ઉતાવળી થાય છે. અરે એ તો સૂર્યનેય ગતિ વધારીને પશ્ચિમ તરફ ઝડપી પહોંચી જવાનું કહ્યા કરે છે.

એક કવિની કલમે સંધ્યાને અદ્ભુત વર્ણવી છે. ખેર! આખરે તો એ કવિના કલમની સર્જકતા પાછળ સંધ્યા જ જવાબદાર હશે ને..!!

“શું આવી સંધ્યા છે મહાલી !!!

કે, દિવસ દૈ જાય છે તાલી..

સમય જો બહુ રુપી પોતે, સ્વરુપ બદલે એ જોતજોતે,

જશે આ રુપ પણ ચાલી... શું૦

થયો'તો સવાર રુપે એ, પછી થયો બપોર રુપે એ,

એને જો કોણ શકે ઝાલી... શું૦

હતી જો દિન તણી મસ્તી, પાંખડીઓ ફૂલ તણી હસતી,

હવે એ નૈ રહે ફાલી... શુંo

હતો તું જેહ સંગ રમતો, ભૂલીને ભાન તું ભમતો,

ભર્યો છે કે રહ્યો ખાલી.. શું૦

આવી થઈ કે ગઇ સંધ્યા, પડી જો રાત સૌ અંધા,

સમયની સ્મૃતિ રહે ઠાલી.. શું૦

દિવસરુપથી બને મોહિત, ને રાત્રે તું બને ભયભીત,

છે સંધ્યા ટાણું લે ઝાલી.... શું૦ "

જો તું આંખ ન ઉઘાડે, અને ના પાંપણો પાડે,

તો તું સંધ્યા શકે ઝાલી.. શું૦

જો તું સંધ્યા શકે ઝાલી, બને હા જીંદગી નિરાલી,

સમયની કૂંચી આ આલી.. શું૦

રહી સંધ્યા મહીં ખાસ, દાસાનુદાસનો દાસ,

કરો હરિમૂર્તિને વહાલી…શુંo"

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."