"મધુરભર્યા સત્યની સંગાથે..."
માં એ પ્રેમની યુનિવર્સિટી
- Get link
- X
- Other Apps
" માં એ પ્રેમની યુનિવર્સિટી "
" જગતભરમાં જે સૌથી વધુ બોલાય છે, એ શબ્દ છે માં." - સ્વામી નિજાનંદ
સૌથી નાનો અને બોલવામાં મીઠો લાગતો શબ્દ એટલે માં. કલમ જ્યારે માં વિશે આલેખવા જાય ત્યારે શબ્દો પણ લાગણીભીના થઈ પડે. બાળપણની યાદોનું પ્રતીક અને લાડુની મીઠાશ એટલે માં. કવિ કાગબાપુની કલમે નોંધ્યું, " મોઢે બોલું માઁ ત્યાં તો સાચેય નાનપ સાંભરે, મોટપ ની મજા મને કડવી લાગે કાગડા..! "
રડતાં, હસતાં અને છાતીએ ચાંપતા માં ની આંખના ખૂણે બાઝેલું પ્રેમનું એક અશ્રુબિંદુ આંખ પલકારો મારે ત્યારે એ અમૃત આંખના ખૂણેથી ગાલ પર ભીના લીસોટા પાડતું બાળકના માથામાં ટપ દઈને સરી પડે એ દ્રશ્ય કાંઈક અદભુત હોય છે.
હેલન કેલરે તો એવુ કહ્યું કે, "માતાના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે કે એના વિશે કંઇ પણ બોલવું વિકટ છે અને એમાં મને અસંસ્કારીતા લાગે છે."
મનમાં પ્રશ્ન એ થાય કે, ક્લાસ વન- ટુ ઓફિસર બનવા માટે એની પરીક્ષા પાસ કરવી પડે. જોબ માટે ડીગ્રી જોઈએ. એમ કોઈ સ્ત્રીને માં બની માતૃત્વ સ્વીકારવા કઈ પરીક્ષા પાસ કરવી પડતી હશે? માતૃત્વની ડીગ્રી કઈ યુનિવર્સિટીમાં મળતી હશે ?
જે સ્ત્રી બાળપણમાં ખાવાની ખૂબ જ શોખીન હતી એ સ્ત્રી માતૃત્વ ધારણ કર્યા પછી ખબર નહી એ શોખ ક્યાં ગાયબ થઈ જાય છે? નાનપણમાં વહેલા ઊઠીને પરાણે કામ કરવું પડતું ને માં બન્યા પછી સાડા પાંચ વાગ્યે આંખો આપોઆપ ખુલી જાય છે! બાળપણમાં રવિવારે રજાની રાહ જોતી છોકરી માં બન્યા પછી સાતેય દિવસ ઘરનું કામ કરતી થઈ જાય છે!
માં એ ફક્ત કોઈ નામ નથી ; માં એ પૂર્ણ શબ્દ છે, ગ્રંથ છે, પ્રેમની યુનિવર્સિટી છે. માં એ જીવનના પ્રત્યેક સ્તંભનો આધાર છે. માં એ મંત્ર, તંત્ર ને યંત્રની સરળતાનો મુલાધાર છે. પ્રેમને પ્રગટ થવાનું મન થયું ને માં નુ સર્જન થયું એમ કહીએ તો જરા પણ ખોટું નથી!
કવિ દલપરામની કલમ એમ કહે છે કે,-
" પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું. "
એક રોટલીના ચાર ટુકડામાં પાંચ વ્યક્તિ જમવા વાળા હોય ત્યારે જે સૌથી પહેલા એમ બોલે કે, 'મને આજે ભૂખ નથી..!' એ માં. કેમકે એક સ્ત્રી જ્યારે માં બને ત્યારે એને આગામી જિંદગીમાં જોયેલા બધા સપનાઓના સુખને તિલાંજલી આપી દે છે, બાળકની દુનિયાનાં દ્વાર પહોળાં થાય એ માટે પોતાની દુનિયાના દ્વાર સાવ સાંકડા કરી દે છે.
હિટલર જેવો હિટલર, પોતાના ખાનગી ખંડમાં માત્ર બે જ છબી રાખતો. એક પોતાના મરી ગયેલા શૉફરની અને બીજી છબી પોતાની માતાની. જ્યારે હિટલરની માતા મૃત્યુ પામ્યાં ત્યારે ફૅમિલી ડૉક્ટરે કહ્યું, 'મેં કોઇ જુવાન માણસને આટલું હૈયાફાટ રડતા જોયો નથી!! '
બાળક જ્યારે રડે છે ત્યારે માં ના હાથનો હેતાળ સ્પર્શ જ એ રુદનને શાંત કરી શકે છે. માં ની ગોદ એ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ICU ડિપાર્ટમેન્ટ છે.
જેમ બિલાડી બચ્ચાને પોતાના મોઢામાં એવી રીતે ઊંચકે છે કે બચ્ચું પડી ન જાય અને તેને પોતાના દાંતની ઈજા પણ ન થાય એમ માં પણ પોતાના બાળકની એવી સંભાળ રાખે છે. એનામા બાળક માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ સામે પંગો લેવાની તાકાત છે. ઇતિહાસના પાનાને ખોલી નજર નાખો તો ખબર પડે ધોમધખતા તડકામાં એક વાદળું ઢાલ બની ઉભેલું દેખાશે.
હોસ્ટેલ જઈ થેલાની ચેઈન ખોલે ત્યારે એ થેલામાં સામાનની ગોઠવણ જોઈને માં યાદ આવે. નાસ્તાનો થેલો આપતી વખતે જે આગ્રહ અને ભલામણ કરી હતી એય યાદ આવે, " રાતે ભૂખ લાગે તો ખાઈ લેજે. ભણવામાં ધ્યાન રાખજે. તારી તબિયતનું ખાસ ધ્યાન રાખજે.." એ બધા શબ્દો નજર સમક્ષ તરી આવે. પ્રેમથી ભરી આપેલી નાસ્તાની થેલી ખોલી નાસ્તો કર્યા પછી હજુય એ પ્રેમનો ઓડકાર આવે છે. પ્રભુ બધી જગ્યાએ નથી પહોંચી શકતો એટલે જ એને માં નુ સર્જન કર્યું છે.
" પ્રભુના એ પ્રેમ તને પૂતળી રે લોલ
જનનીની જોડ સખી નહી જડે રે લોલ.."
- કવિ બોટાદકર
માખણચોર જરૂર પડ્યે માખણની ચોરી કરી શકે પરંતુ માં નુ ધાવણ ધાવવા અને માં નો પ્રેમ પામવા માટે તો માં ના ખોળે જ જવું પડે.
અબ્રાહમ લિંકને એવું કહ્યું કે, " હું જે કંઇ છું કે જે કંઇ થવા માગું છું એનો બધો જ જશ મારી માતાને ફાળે જાય છે. મને યાદ છે મારી માતાની પ્રાર્થનાઓ, જે મારી જિંદગી સાથે સદાય જડાયેલી છે. "
KGF મુવીનો પે'લો ડાયલોગ યાદ આવી ગયો, " ઇસ દુનિયા મેં સબસે બડા યોદ્ધા માં હોતી હૈ.." અને એટલે જ કદાચ જ્યાં સુધી માતા કુંતીનુ રક્ષાસૂત્ર કર્ણના હાથે હતું ત્યાં સુધી અર્જુન જેના સારથી સ્વયં શ્રીકૃષ્ણ પોતે હોવા છતાં પણ એ કર્ણને પરાજીત ન કરી શક્યા !
શિવની જટામાંથી માત્રને માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ માં ના હૈયામાંથી તો કાંઈક ગંગાને મહાસાગરો ઉમટ્યા છે. એક માં જ છે કે જેને આ દેશને લવ અને કુશ જેવા સંતાનો આપ્યા. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ, ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા રત્નો આ દેશને મળ્યા એનું જો કોઈ કારણ હોય તો એ માં છે.
બાળકને રાહ દેખાડે એ ગુરુ પણ જે ઘરના બારણે ઉભી ઉભી એકી નજરે બાળકના ઘરે આવવાની રાહ જોવે એ માં. પપ્યા પાસે કોઈ પરવાનગી લેવી હોય ત્યારે માં જ આપણું માધ્યમ બને છે. એના પ્રેમમાં કોઈ રૂકાવટ નથી હોતી, વિચારમાં કદી મિલાવટ નથી હોતી. માં નુ મૂલ્યાંકન થઈ શકે એવો કોઈ માપદંડ આજ સુધી બન્યો નથી ને બનશે પણ નહીં એટલે જ કહેવાય છે,- " " માં તે માં બાકી બધા વગડાના વા "
અંતમા એટલુ જ કે, જેના પ્રેમમાં ક્યારેય પાનખર ન આવે, જેની કોઈ ઉપમા નથી, જેના પ્રેમની કોઈ સીમા નથી એ માં..
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment
Thanks for comments