"મધુરભર્યા સત્યની સંગાથે..."

માં એ પ્રેમની યુનિવર્સિટી

Image
" માં એ પ્રેમની યુનિવર્સિટી " " જગતભરમાં જે સૌથી વધુ બોલાય છે, એ શબ્દ છે માં." - સ્વામી નિજાનંદ સૌથી નાનો અને બોલવામાં મીઠો લાગતો શબ્દ એટલે માં. કલમ જ્યારે માં વિશે આલેખવા જાય ત્યારે શબ્દો પણ લાગણીભીના થઈ પડે. બાળપણની યાદોનું પ્રતીક અને લાડુની મીઠાશ એટલે માં. કવિ કાગબાપુની કલમે નોંધ્યું, " મોઢે બોલું માઁ ત્યાં તો સાચેય નાનપ સાંભરે, મોટપ ની મજા મને કડવી લાગે કાગડા..! " રડતાં, હસતાં અને છાતીએ ચાંપતા માં ની આંખના ખૂણે બાઝેલું પ્રેમનું એક અશ્રુબિંદુ આંખ પલકારો મારે ત્યારે એ અમૃત આંખના ખૂણેથી ગાલ પર ભીના લીસોટા પાડતું બાળકના માથામાં ટપ દઈને સરી પડે એ દ્રશ્ય કાંઈક અદભુત હોય છે. હેલન કેલરે તો એવુ કહ્યું કે, "માતાના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે કે એના વિશે કંઇ પણ બોલવું વિકટ છે અને એમાં મને અસંસ્કારીતા લાગે છે." મનમાં પ્રશ્ન એ થાય કે, ક્લાસ વન- ટુ ઓફિસર બનવા માટે એની પરીક્ષા પાસ કરવી પડે. જોબ માટે ડીગ્રી જોઈએ. એમ કોઈ સ્ત્રીને માં બની માતૃત્વ સ્વીકારવા કઈ પરીક્ષા પાસ કરવી પડતી હશે? માતૃત્વની ડીગ્રી કઈ યુનિવર્સિટીમાં મળતી

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः


" ધર્મનો મર્મ...!"

ધર્મ..! મહાભારત, રામાયણ, ભગવદ ગીતા, પુરાણો, શાસ્ત્રો, કોઈ ભાગવત કથાકાર કે પછી આસપાસ કોઈ વડીલોના મોઢે આ શબ્દ તમે અવશ્ય સાંભળ્યો હશે.

પરમાત્માનું પૃથ્વી પર અવતરવા પાછળના કારણોમાંનું એક મહત્વનું કારણ એટલે ધર્મનું સ્થાપન.

સાદી અને સરળ ભાષામાં ધર્મ એટલે કરવા યોગ્ય અને આચરવા યોગ્ય આચાર, વિચાર ને કર્તવ્ય. ટૂંકમાં સદાચાર. શાસ્ત્રોક્ત વિધિનિષેધ.

સ્મૃતિઓમાં આચારને જ પરમ ધર્મ કહેલો છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી ગ્રંથમાં કહ્યું છે - 
" શ્રી કૃષ્‍ણભગવાનની ભકિત તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે." (શિક્ષાપત્રી-૧૦૨)

" અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. (શિક્ષાપત્રી-૧૦૩)

હસ્તિનાપુરના સિંહાસનનું રક્ષણ કરવું, એના પ્રત્યે વફાદાર રહેવું એ પિતામહ ભીષ્મનો ધર્મ હતો. એના પર આરૂઢ સમ્રાટના વિચારોનું અમલીકરણ કરવું એને જ ધર્મ માનેલો. સમય સંજોગો પ્રતિકૂળ થયા ને સિંહાસન પર કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્ર મહારાજાને નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ ભીષ્મએ ભવિષ્યમાં પાંડવો સાથે થયેલા અન્યાય સામે અવાજ ન ઉઠાવ્યો, મૌન રહ્યા. ભર સભામાં દ્રોપદીના ચીરહરણ સમયે જો ભીષ્મ ધારત તો કોની તાકાત હતી કે ભારતીય નારીત્વ સામું આંખ ઉંચી કરીને કોઈ જોઈ શકે પરંતુ એ સમયે પણ પિતામહ મૌન રહ્યા ! એમણે ફક્ત સિંહાસનના રક્ષણને જ પોતાનો ધર્મ માનેલો. અને એ ધર્મની પટ્ટી બાંધી ખૂંચાતા ખૂંચાતા મહાભારતના યુદ્ધમાં સ્વયં શ્રીકૃષ્ણને પોતાની મરજી વિરુદ્ધ હથિયાર ઉઠાવવા મજબૂર કર્યા..! બાકી, ભીષ્મ દાદા તો જાણતા જ હતા કે હું અધર્મના પક્ષે છું. ધર્મના પક્ષે સ્વયં શ્રીકૃષ્ણ પરમાત્મા છે. માટે અધર્મની હાર અને ધર્મની જીત નિશ્ચિત જ છે. જેને પામવાનું હતું એને જ હથિયાર ઉઠાવવા મજબૂર કર્યા. આ તે વળી કેવો ધર્મ..!?

" ધર્મ એ આત્માને પરમાત્માની સમીપ પહોંચાડનાર સેતુ છે. "  

ધર્મિષ્ઠ પુરુષમાં દયા, પ્રેમ, કરુણા, ધીરજતા, ક્ષમા, સહનશીલતા, કોમળતા ને શૂરવીરતા જેવા ગુણો નીતરતા હોય છે.

રામચરિતમાનસમાં જ્યારે જ્યારે પણ ધર્મની વાત આવી છે ત્યારે ત્યારે તુલસીદાસજીએ બહુ જ વિશાળ દ્રષ્ટિથી જોયું છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ અદ્ભૂત કહ્યું છે - ‘પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા’ આનો સીધો સાદો અર્થ થાય કે ધર્મ એને જ કહેવાય જેમાં આપણાથી અજાણતાય કોઇની પણ હિંસા ન થાય. મન, કર્મ અને વચનથી આપણે બીજાને પીડા ન આપીએ એનું નામ ધર્મ. 

" ધર્મની જડતા ઘણી વખત પરમાત્માની નજીક જવાને બદલે પરમાત્માથી દૂર ખેંચી જાય છે. " - પૂ.ગુરૂજી

ભગવાન શ્રીરામ સ્વંમ એક ભીલની દીકરીનો ભાવ, પ્રેમ અને એનું ભક્તહૃદય જોઈ એની ઝૂંપડીએ સામે ચાલી આવે ને એના એઠા બોર જમે..

અખિલ બ્રહ્માંડનો નાથ અક્ષરધામનો અધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી એક નાનકડા કૂબામાં પોતાના ભક્ત સગ્રામને વશ થઈ અડધી રાતે દર્શન દેવા પધારે. એને બિછાવેલી ફાટેલી તૂટેલી ગોદડીમાં બેસે ને એના સૂકાં રોટલા જમે..

પરમાત્માનું દિલ કેવું વિશાળ કે'વાય.. એની નજરમાં જરા જેટલી પણ વિષમતા નથી. અને આપણે તો એના ભૂલકાઓ છીએ તો પછી આપણી નજરમાં વિષમતા કેમ પોષાય..??

કવિ દાસ સતારે બહુ અદભુત ભજન લખ્યું છે. -

અમને અડશો માં અભડાશો, પછી ક્યા નાવાને જાશો....
અમને અડશો માં અભડાશો.

ન્યાત જાત ના બંધન છુટયા છુટી જુઠી લાજ,
ગુરુ પ્રતાપે અમને મળીયુ પ્રેમ નગર નુ રાજ....
અમને અડશો માં અભડાશો

અભડાવા ની જો બીક ન હોય તો આવો અમારી પાસે,
ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધા ધોવાશે....
અમને અડશો માં અભડાશો.

ન્યાતી ના જુઠા બંધન માંહી કદી નહી બંધાશ,
સર્વાગી બની સર્વ સ્થળે અમો પ્રેમી થઈને જાશુ....
અમને અડશો માં અભડાશો.

પ્રેમ પંથના અમે પ્રવાસી પ્રેમી નામ અમારુ,
વ્હેમ ની વાટે કોણ જાય જ્યા જણાય હુ ને મારુ....
અમને અડશો માં અભડાશો.

ઉંચ નીંચ ના ભેદ ભુલી ને સંપીલા થઈ ને ફરશુ,
સત્ સેવા સત કર્મ કરી ને અમર વર ને વરશુ....
અમને અડશો માં અભડાશો.

ઊંચ નીચ ના ભેદ ને ભુલે તે સાચુ સુખ માણે,
દાસ સતાર કહે સમજાવી અભીમાની શુ જાણે?....
અમને અડશો માં અભડાશો.

- દાસ સતાર 

ઘણા લોકોના મતે ધર્મ એ નીતિ-નિયમોનું બંધન છે એવું માનતા હોય છે. આવું બધું આપણને ના ફાવે ! આપણે તો મનમાં આવે ઈમ કરવાનું. ના...! એટલે તમે ક્યારનાય ધર્મ..ધર્મ.. મંડી પડ્યા છો તે આ ધર્મને છાંયડે ના રહીએ તો શું ફેર પડે લે વળી..?

અરે દોસ્ત ! ધર્મ એ લક્ષ્મણ રેખા છે. ધર્મમાં રહીને આપણે જે પણ કર્મ કરીએ એની સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બાકી, લાલચે કરીને એ લક્ષ્મણ રેખાની હદ વટાવી ગયા એટલે જડ-મૂળમાંથી ફેંકાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ખેડૂતો પોતાના ખેતર ફરતે શેઢો કરીને બંધ બાંધે છે. શા માટે ? તો કે વધારે વરસાદ પડે ને અતિવૃષ્ટિને કારણે બહારનું પાણી પોતાના ખેતરમાં ન આવી જાય ને પોતાના ખેતરમાં વધારે પડતું પાણી ભરાઈ ગયું હોય ને પાક ડૂબી ગયો હોય તો એ બંધના ખૂણેથી બધું પાણી બહાર નીકળી જાય ને બીજા પાકને નુકસાન ન પહોંચે. એમ જીવનમાં પણ ધર્મનો બંધ બાંધવો જરૂરી છે.

આપણા શાસ્ત્રોમાં એટલે જ કહ્યું છે. - " धर्मो रक्षति रक्षितः। " અર્થાત્ જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે.

શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, " અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય, તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. " (શિક્ષાપત્રી-૭૩)

પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવું અને આપેલ વચન નિભાવવું એ રઘુકુળની રીત હતી. તો સ્વયં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી હસતા મુખે રાજપાટ છોડી અને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો.

એટલે જ સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામીની કલમ એમ કહે છે કે -

સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દઢ મને ;
ધર્મ મૂકીને કામ કોઈ, કરવું નહિ કોઈ દને ।।

ધર્મે થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા ;
એવા જન થઈ હરિના, રહિયે ધર્મને વળગા ।। 

સુખ દુઃખના સમુહ માંહિ, મૂંઝાઈ ધર્મ મૂકવો નહિ ;
નિષ્કુળાનંદ કહે નિશ્ચે કરી, ધાર્યો ધર્મ તે ચૂકવો નહિ ।। કડવું।।૨૫।।

ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૌરવો કે પાંડવોના પક્ષમાં નહોતા, એ ધર્મના પક્ષમાં હતા. અને યુધિષ્ઠિર, અર્જુન આદિ પાંચ પાંડવો ધર્મને વરેલા હતા. તો ભગવાને એમની સર્વે કષ્ટ થકી રક્ષા કરી. અને ધર્મનો વિજય થયો.

મહાભારત એટલે જ એમ કહે છે - ‘જ્યાં ધર્મ છે, ત્યાં જ કૃષ્ણ છે, જ્યાં કૃષ્ણ છે, ત્યાં જ વિજય છે.’

અંતમાં તાત્પર્ય એટલું જ કે, " ધર્મની શરૂઆત કાલે કરશો તો ચાલશે પણ અધર્મનો ત્યાગ આજે જ કરી દો. "













Comments

A Very Popular Blogs

Introduction

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

વ્યસ્તતા... (Article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?