"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ

બત્તડ મર્યો છે; નમ્યો નથી..


 બત્તડ મર્યો છે; નમ્યો નથી..


ભારતભૂમિની આ ગુર્જરધરામાં અનેક સપૂતો હોમાઈ ગયા; વતન પ્રેમને ખાતર. ઘણાં એવા વીર જોદ્ધા(યોદ્ધા) પણ થઈ ગયા કે જેના મસ્તક મા ભોમના ખોળામાં સુઈ ગયા હોય ને એમના ધડ લડતાં હોય! જેમાંના ઘણાં સપૂતો લેખકોની કલમે નોંધાઈ ગયા. આજના આ ટેકનોલોજી અને રંગમંચના જમાનાએ કેટલાક અદ્ભૂત પાત્રોને રજૂ પણ કર્યાં. બટ, આજની આ ફાસ્ટ એન્ડ એજયુકેટેડ જનરેશન પાસે ઈતિહાસના પાના ફેરવવાનો સમય જ ક્યાં છે !


આજે વાત કરવી છે એક એવા સપૂતની કે જે વ્યક્તિ ગૂગલથી માંડીને કોઈ પણ સર્ચએન્જિનમાં નહી હોય. અને ક્યાંક ભાગ્યવશ એમનું નામ આવી પણ ગયું તો એ ફકત એક ફકરા પૂરતું સીમિત હશે. એ તો સારું થયું કે એ મર્દની નોંધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ' ધૂમકેતુ ' ની કલમે ઈતિહાસના પાનાઓમાં કંડારાઈ ગઈ. અનાયાસે એ જ પુસ્તક - " રાયકરણ 'ઘેલો " મારા હાથે ચડી ગયું. એટલે એમાના અમુક અંશો આપ સહુ વાંચક મિત્રો સમક્ષ મુકવાનો પ્રયત્ન કરું છે.


એક ઊંચો કદાવર, પાંચ હાથ પૂરા થાય તેવો, ઉગ્ર, કોઈ મોટા ડુંગરના ભીષણ ઊંચા ખડક જેવો, માણસ. એના ચહેરા ઉપર કડકાઈભરેલી હઠીલી રેખાઓનો કોઈ સુમાર ન હતો. એના જાડા, ટૂંકા વાળ એણે પાઘડીમાં ઢાંક્યા હતા. કેડે એક જાડું લૂગડું વીંટ્યું હતું. તેના કમરબંધમાંથી છેક પગ સુધી એક ભયંકર લાંબી કૃપાણ લટકતી હતી. એના હાથમાં મોટો વાંસડા જેવો ભાલો હતો. કોઈ જગ્યાએ લેશ પણ મુલાયમતા આ માણસમાં દેખાતી ન હતી. એની ચામડી જાડી હતી. વાળ ટૂંકા ને રુક્ષ હતા. હોઠ જાડા હતા. હાથપગ જાણે પથરા સાથે ઘસી ઘસીને બનાવ્યા હોય તેવા કઠણ લોઢા જેવા હતા. એના બાવડાની તાકાત વિષે એનો જબ્બર ભાલો ઘણું કહી દેતો હતો. આ બીજું કોઈ નહી પણ મોડાસાના દુર્ગપતિ વીર બત્તડદેવજી હતાં.


વાત એમ હતી કે, પાટણ પર ચડાઈ કરવા સુરત્રાણ એટલે કે તુરુક(તુરુષ્ક)નું લશ્કર આવી રહ્યું હતું. પાટણ પહોંચતા પે'લા આ મોડાસા વચ્ચે આવે. 


એ વખતે પાટણની ગાદી પર હતા પાટણપતિ રાજા રાય કરણ વાઘેલા. બત્તડદેવજીને મહારાજ કરણરાય પ્રત્યે ખૂબ જ નિષ્ઠા. પાટણપતિને પણ બત્તડદેવનો પૂરો વિશ્વાસ. મૈત્રીના ભાગે અગાઉ થયેલી ચર્ચા મુજબ રસ્તામાં આ તુરુક્કના લશ્કરને રોકવાનું હતું જેથી પાટણને યુદ્ધની યોજના અને તૈયારી માટે પૂરતો સમય મળી શકે. કેમ કે, તુરુષ્ક વિજય મેળવવા માટે છળ, કપટનો છાંયડો લે તો એ તુરુક માટે કાંઈ નવી નવાઈની વાત નહોતી.


આગળ હવે , મોડાસાના વીર જોદ્ધાઓનું દર્શન ધૂમકેતુની તળપદી ભાષામાં જ કરીએ:


‘કેસરીજી ! મહુડાસા નમે, ને એનો કિલ્લો નમે, ત્યારે તો ભા! બત્તડદેવની બોંતેર પેઢી નરક નીરખી લ્યે ! આંહીં તો આ બેઠા છે એ બધા, એક એક માથાં ગણી ગણીને વાઢી દેવા માટે બેઠા છે. આ તો કોઈ મોળો હોય તો વાત કરી સારી ! બોલો....'


‘જય સોમનાથ !” મેદનીમાંથી એક પ્રચંડ પ્રતિધ્વનિ ઊઠ્યો.


બીજે દિવસે વહેલી સવારમાં હજી મહુડાસાવાસી એકબીજાનાં મોં જુએ ત્યાં આકાશમાંથી જેમ અગ્નિના અજગર ઊતરતા હોય તેમ, અગનગોળાને મહુડાસા ઉપર ઊતરતા સૌએ દીઠા. એમને માટે નવી નવાઈની વાત હતી. બત્તડદેવ ને એની સાથેના જોદ્ધાઓ કિલ્લા ઉપર ચડચા. નાખી નજર ન પહોંચે ત્યાં સુધી તુરુષ્કનાં ટોળાં પડ્યાં હતાં, પહેલી હરોળ કિલ્લાથી થોડે આઘે હતી, તો છેલ્લી હરોળ આઘેઆઘેનાં ડુંગરા ઉપર તાપણાં સળગાવતી બેઠી હતી. હજી તો આખું સેન આવી રહ્યું ન હતું. અનેક ઊંટ ઘોડાં પાયદળ હજી આવી રહ્યાં હતાં. 


બત્તડદેવ આ સેનને જોઈ જ રહ્યોઃ વાઘોજી" તેણે પોતાના સરહદી રક્ષણહારને પૂછ્યું 'આવું ક્યાં સુધી છે!'


એનો કાંઈ આરો નથી પ્રભુ ! મને તો આમાં કાંઈ સારાવાટ દેખાતી નથી " 'વા...ઘો...જી!' બત્તડદેવે કરડાકીથી કહ્યું “સારાવાટ દેખાતી નથી એટલે ? તમે શું કહેવા માગો છો ?”


‘તુરક્ક જીતવાનો, આપણે હારવાના !" 


હારે, જે જીતે તે. જે મરે, તે કોઈ દી હારતા નથી; હાલો, તમે સૌને હાકલ કરો. ઉગમણા દરવાજા પાસે તમામ આવી જાય.’ 


' બધેથી ?' વાઘોજી નવાઈ પામી ગયો. આ તો શરૂઆતથી જ કેસરિયાંની વાત થતી હતી કે શું?


' હા બધેથી..' બત્તડદેવે બોલ્યોઃ આની સામે લડવાનો કાંઈ અરથ નથી. સામનો કરીને અમે જીતી ગયા. એવો એંકાર આપણે એને લેવા દેવો નથી. આ તો શેરડીના વાઢ છે. અને આપણે વાઢમાં વાઢવા પડવાનું છે, તમામ આવી જાય – વાઘેજી! ઘેરથી વિદાય લઈને જ આવી જાય. અને જુઓ ઠકરાણાંને આવો. અમે આ દરવાજેથી ઘાસ કાપવા પડીએ છીએ, તમારે જોવું હોય તો આવો, આ બુરજ ઉપર.'


વાઘોજીએ બત્તડદેવનાં અનેક રૂપ જોયાં હતાં. આજનું આ રૂપ જુદું જ હતું. એમાં તાંડવ કરતા ભગવાન રુદ્રનું ગર્જન હતું.


થોડી વારમાં તો અગનગોળા વધવા મંડ્યા. લોકો રેતીના કોથળે કોથળા ઠાલવવા મંડ્યા. તરત તીરોની રમઝટ ચાલી અને ગોફણીયા પાણાનો વરસાદ શરૂ થયો.


બત્તડજીએ તમામને દરવાજા પાસે આવેલા દીઠા, એટલે કહ્યું ‘ભાઈઓ ! આના અગનગોળા આપણને શું બાળે? આપણે હાથે ઘેર ઘેર આગ લગાડી દો. આ દરવાજો ખોલી નાખો. ખાઈ ઉપર પુલ નાખી દ્યો. આપણે તમામ હવે એના સેનમાં કૂદી પડો !"


'કૂદી પડવાનું છે? બોલો હર હર.. મહાદેવ હર" બત્તડદેવના સાથીઓએ બીજો જવાબ જ ન આપ્યો. હરેક આજ્ઞાનો જવાબ રણહાકમાં હતો. દરવાજો ઊઘડ્યો. સામે સાગર કહ્યો ન જાય, એટલું દળ દેખાતું હતું. ઘોડાંનો તો કોઈ પાર ન હતો. હાથીઓ ગર્જના કરતા હતા. અગનગોળા ઊડતા હતા. મોટા મોટા પથરા આકાશમાંથી પડતા હતા.


જેને ઘરમાં મન રહી ગયું હોય એને ભા હજી પાછા વળવાની છૂટ છે હો. હવે તો જે ભેગા હાલે છે. એ મરવા માટે જ ભેગા હાલે છે!'


બત્તડદેવ સેનાને મોખરે હતો. એની આસપાસ કેસરી જ કેસરી રંગ દેખાતો હતો. બુરજ ઉપર ઠેકાણે ઠેકાણેથી ઠકરાણીઓનાં રણગીતો છૂટ્યાં હતાં. ભાટ ચારણની બિરદાવલિથી આકાશને પોતાને લડવા આવવાનું મન થાય એવી હવા બની ગઈ હતી.


બત્તડદેવનો ઘોડો દરવાજા બહાર નીકળ્યો. એની પાછળ ત્રણ હજાર મરણિયાઓ નીકળ્યા. કેસરી રંગની આ છટાને નિહાળવા પ્રભાતનો સૂર્ય ઊંચે ચડ્યો.


'વાઘોજી !' બત્તડદેવે બહાર નીકળતાં જ કહ્યું : ઘેર ઘેર સંદેશો આપી આવો. એના અગનથી નહિ, આપણે આપણા અગનથી આખા શહેરને ખાખ કરી મૂકવું છે. ઈ ગગો આંહીંથી ભલે રાખના ટોપલા ભરી જાય! આપણે જ રાખ કરી નાખો! બોલો “જય સોમનાથ !” 


જય સોમનાથ'ની રણગર્જના સાથે ત્રણ હજાર ઘોડેસવારો જેમ આકાશમાંથી બાર મેઘ વછૂટ્યા હોય તેમ, ડુંગરે ડુંગરામાં પડઘા પાડતા આગળ જવા ઊપડ્યા !


બત્તડજી! બત્તડજી! બાપ! આ તો સાગર છે. એનાં મોજાં ઉપર મોજાં આવે છે. આપણે બધાય ડૂબી મરીશું ! આ તો સાગર છે બાપ" કોઈક ડાહ્યો અવાજ એ વખતે પણ કાન પાસે આવી લાગ્યો.


બત્તડજીએ દોડતે ઘોડે જવાબ વાળ્યો: ' એ તો ભા! ઈમ લાગે, બહાર ઊભા હો ત્યાં સુધી બધાય સાગર લાગે; અંદર પડો એટલે તળાવડાં !'


અને જેમ શેરડીની વાઢ કાપવા સારુ ગાંડાતૂર એકલશૃંગી ઊપડ્યાં હોય તેમ એ સાગરમાં એ બધાય આડાઅવળા, જોયાકારવ્યા વિના, જેને જેમ ઠીક પડે તેમ આડેધડ કૂદી પડ્યા ! બંને સૈન્યની થોડી વારમાં ભેટંભેટા જ થઈ ગઈ.


અગનગોળા બંધ થઈ ગયા. તીરો બંધ થઈ ગયાં. ગોફણો બંધ થઈ ગઈ. સો સો બળદથી ખેંચાતની તુરક્કની 'સંગે મગરિબી' પણ શાંત થઈ ગઈ. કેવળ હાથોહાથનું ઘોડાઘમસાણી જુદ્ધ ચાલ્યું. કોણ મરે છે, કોણ જીવે છે, એ કાંઈ જોવાનું ન હતું. કેવળ જે આવે તેને હણી નાખવાની વાત હતી. આ જુદ્ધમાં વિષ્ટિ ન હતી. વાત ન હતી, સમાધાન ન હતું. કોઈને નમતું આપવાનું ન હતું. આવે તેને હણી નાખવાની વાત હતી, કેવળ જુદ્ધ, તલવાર, ઘોડાં, ઘા, મરણ, અને રીડિયારીડ, એ સિવાય બીજી વાત જ ત્યાં ન હતી. છેવટે જીતવાની સંખ્યા જ હતી. સૌને એ ખબર હતી.


બત્તડદેવના તમામ કેસરી જોદ્ધાઓ રણમાં મરવાના હતા. એક પછી એક બધા જ પડતા ગયા. કોઈ બચવા ઈચ્છતો હોય તેમ લાગ્યું નહિ. મહુડાસામાંથી શું અગ્નિ પ્રગટ્યો. સેંકડો નારીઓનાં વૃંદ અગ્નિમાં કૂદી પડયાં. એ જોઈને કેસરીદળ તમામ ખતમ થવા માટે, ઘોડાંને પણ છોડી દઈને હાથોહાથની ભયંકર લડાઇમાં તૂટી પડ્યું.


સાંજને વખતે હવે કોઈ રડ્યોખડ્યો જોદ્ધો રહ્યો હોય તો ભલે! બાકી તમામ ખપી ગયા. બત્તઽદેવ એકલો હજી ઝઝૂમી રહ્યો હતો. એને ફરતી સો સો તુરક્કની લંગર ઘેરી વળી હતી. ઘડી બે ઘડીમાં એ પણ પડશે, એવું જોઈને એને સાથ આપવા માટે કેસરીજી દોડયો. પણ બત્તડે એને ઉતાવળે કહ્યું "કેસરીજી ! તમે હવે રહી જાઓ. હવે તમે એક રહ્યા છો. તમામ ખપી ગયા છે. તમે હવે પાટણમાં પહોંચો. મહારાજને મારો સંદેશો આપવાનો છે.


' શું છે બત્તડદેવ ! શું કહેવું છે ? '


' મહારાજને કહેજો, બત્તડ મર્યો છે; નમ્યો નથી. બસ એટલું જ... કેસરીજી ! પાછળ રહી જાઓ!'


કેસરીજી પાછળ રહી ગયો. બત્તડદેવ આડેધડ તલવાર ઝીંકતો આગળ વધી ગયો. એ જરાક આગળ વધ્યો ને સેંકડો તલવારો અને ફરી વળી. બત્તડ ઘા ઝીલતો ગયો. ઘા વાળતો ગયો. ઘા મારતો ગયો. ઘા ચુકાવતો ગયો. માથાં ઉડાડતો ગયો. આગળ વધતો ગયો. પણ છેવટે એક જનોઈવઢ એવો જબરો ઘા એક મુગલજોદ્ધાએ એને માર્યો કે બત્તડદેવનું માથું નીચે ઢળી પડ્યું!


પણ એનું માથું જેવું નીચે પડ્યું કે 'એનું કબંધ – એનું માથા વિનાનું ધડ આગળ ધોડયું. કેવળ ગાંડી સૃષ્ટિમાંથી કોઈ ભયંકર માથા વિનાનો ખવીસ આવી ચડયો હોય તેમ બત્તડજીનું કબંધ એવું ભયાનક દેખાવા માંડ્યું, કે માનવીની એની સામે જોવાની હિમ્મત પણ ચાલે નહિ! એ વખતે સાંજ પડવા આવી હતી. ઝાંખા અંધારા અજવાળાથી રણભૂમિ બરાબર દેખાતી ન હતી. સેંકડોનાં શબ ત્યાં પડ્યાં હતાં. લોહી વહેતાં હતાં. માંસના લોચા, તૂટેલા હાથ, ભાંગેલા પગ, ફૂટેલાં માથાં રખડતાં હતાં. તે બધાંની વચ્ચે ધડ વિનાનો કોઈ પ્રેતસૃષ્ટિનો ભીષણ જોદ્ધો સજીવન થઈ ગયો હોય તેવો બત્તડદેવ, હાથમાં ઉઘાડી તલવારે, આમથી તેમ ગાંડાની જેમ દોડી રહ્યો હતો!


એ દૃશ્ય જોવા માટે સૌ થંભી ગયા, બત્તડદેવના ધડને એક પળનો આરામ ન હતો. એ તો હજી દોડતું જ હતું.


તુરક્ક પણ આ વીર જોદ્ધાની વીરગતિને નમ્યા વિના રહી શક્યા નહિ.


એવામાં કોઈએ બતાવ્યું કે કોઈ બ્રાહ્મણને હાથે એના ઉ૫૨ ગંગાજળ છંટાવો તો એ નીચે પડે. 


તરત બળતા મહુડાસામાં સૈનિકો દોડ્યા. ગંગાજળ આવ્યું. બ્રાહ્મણ આવ્યો. તેણે બત્તડદેવ ઉપર ગંગાજળ છાંટ્યું. અને બત્તડદેવ છેલ્લી વીરગતિ પામતો હોય તેમ તરત ત્યાં ઢળી પડ્યો.


એના શબને અગ્નિદાહ દેવાનું બ્રાહ્મણે માગી લીધું. બીજે દિવસે એની રાખ લઈ એને ગંગાજીમાં પધરાવવા માટે એ ચાલી નીકળ્યો. બત્તડદેવ ઇતિહાસમાં અમર થઈ ગયો.


(ધૂમકેતુ લિખિત - રાયકરણ 'ઘેલો માંથી)


~ MEET BHAGAT


Comments

A Very Popular Blogs

Introduction

ધર્મનો મર્મ..|| धर्मो रक्षति रक्षितः

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?