"મધુરભર્યા સત્યની સંગાથે..."

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

Image
  જાણી જોઈને ઝાડ ઉપર કુહાડી મારી , છાંયડો રિસાયો ને ગરમીએ પોક મૂકી.. " તમે મન મૂકીને વરસો , ઝાપટું આપણને નહીં ફાવે ; અમે હેલીના માણસ , માવઠું આપણને નહીં ફાવે.." પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની આ પંક્તિ સુરજદાદાએ માથે ઓઢી લીધી લાગે છે. માનવ એટલા ખોફમાં વહી ગયો કે એણે વરસાદની વિનંતી તડકાને કરી દીધી અને વળી સૂરજદાદાએ સહર્ષ સ્વીકારી પણ લીધી ! આ વરહના વૈશાખમાં આકાશને આંબેલો માર્તંડ ધરતી પર અગનગોળા વરસાવતો હોય એમ મન મૂકીને વરસી રહ્યો છે. કોઈક વાર તો શંકા થવા માંડે કે ધરતી તાંબાથી ક્યારે મઢાઈ ગયી ? ખરા તડકે ઘરની બહાર પગ મૂકતાં બસો વખત વિચાર કરવો પડે. ઇમર્જન્સી કામની પ્રાયોરિટીને પણ આફ્ટરનૂન પછી જ આવકાર મળે. ભરબપોરે ગલીઓ , શેરીઓ , સોસાયટીઓ સૂમસામ સુતેલી હોય. અમુક બિચાકડા મજબૂરીના કારણે વ્હીકલમાં માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી નીકળી પડ્યાં હોય. એમાંય હીટ સ્ટ્રોકને તો ફાંયું જડ્યું છે. કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું છે. આ ઉનાળે પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે. વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોના સૂત્રો દ્વારા વર્ષોથી જનહિતમાં જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ આ...

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ.


એક અદભુત કાર્યનું નવનિર્માણ...

` શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ. '

("સંકલ્પ ગુરુદેવનો, સહકાર આપણા સૌનો...")

     `વેદ વાંચવા સહેલા છે, પરંતુ કોઈની વેદના વાંચવી બહુ જ અઘરી છે અને જો કોઈની વેદના વાંચતા આવડી જાય તો ઈશ્વર મળી જાય.'
ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ આ જ સૂત્રાર્થને આગળ વધારી ઘણા બધા દીન-દુ:ખીયાઓની સેવા કરતા અને કરાવતા. મહારાજની પૂજા કરવા આવેલ હરિભક્તો મહારાજ માટે જે પણ કાંઈ ચીજ-વસ્તુ, પદાર્થ લાવતા એ ભક્તનો ભાવ સ્વીકારી અને જરૂરિયાતમંદોને આપી દેતા. શ્રીજી સમકાલીન ઘણા ખરા એવા હરિભક્તના પરિવારો હતા, જેમને મહારાજની પૂજા કરવાનો અને સેવા કરવાનો ખૂબ જ ભાવ હતો પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. કહેવાય છે ને કે પ્રભુ ક્યારેય કોઈનું ઋણ રાખતા નથી. કણમાંથી મણ કરીને વળતું આપે છે.
અંતરયામીથી શું અજાણ હોય...! દયાસિંધુ સહજાનંદ સ્વામી કણ જેટલું સ્વીકારી, મણ જેટલું આપતા. દુકાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ આ માનવ સમાજને પોતાના સમૃદ્ધ હરિભક્તો દ્વારા અન્ન, વસ્ત્ર પૂરા પડ્યાના પ્રસંગોની સાક્ષી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો પુરે છે.
આવા સોંઘા થયેલા ભગવાનને જેતપુરમાં ગાદી પર બેસતી વખતે પણ પોતાના ભક્તોની જ ચિંતા હતી, એટલે રામાનંદ સ્વામી પાસે માંગ્યું કે, ' મારા ભક્તોનું દુઃખ મને આવે, પણ મારો ભક્ત દુઃખી ન થાય. મારા ભક્તના પ્રારબ્ધમાં એક વીંછીનું દુઃખ લખ્યું હોય તો, રૂંવાડે રૂંવાડે મને કરોડ વીંછીનું દુઃખ થાય પણ મારો ભક્ત દુઃખી ન થાય. મારા ભક્તને રામપાતર આવવાનું હોય તો મને આવે પણ મારો ભક્ત અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય.' મહારાજ ભક્તોના દુઃખે દુઃખી થઈ જતા અને તેમનું દુઃખ પોતે વેઠીને તેને મદદ કરવા સદા તત્પર રહેતા. સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામીએ ગરીબનિવાજ શ્રી હરિની આ લાક્ષણિકતાને વર્ણવતાં લખ્યું છે કે,
'કોઈને દુખિયો રે, દેખી ન ખમાય; 
દયા આણી રે, અતિ આકળા થાય;
અન્ન-ધન-વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;
કરુણાદૃષ્ટિ રે, દેખી વાન જ વાળે...'

અરે..! માત્ર ભગવાન શ્રી સહજાનંદ સ્વામી જ નહીં, પરંતુ એમના પરમહંસો અને હરિભક્તોમાં પણ પરોપકારી અને દયાળુ પ્રકૃતિનું દર્શન થતું જોવા મળે છે. આદિકવિ શ્રીજી સખા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને દાદાખાચર, શિવલાલ શેઠ જેવા મુક્તપુરુષો પણ માનવ સમાજના કલ્યાણ માટે અને એમના દુઃખ દૂર કરવા પ્રભુને એમના વતી પ્રાર્થના કરતા, અને એ પણ કોઈ જાતના સ્વાર્થ વગર, નિ:સ્વાર્થ ભાવે. આ બધા પરમહંસોનો એક જ હેતુ હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રવતાવેલ સર્વજીવહિતાવહનો સંદેશો લોકો સુધી પહોંચાડવો અને પ્રભુ પ્રાપ્તિના માર્ગ તરફ આંગળી ચીંધવી.
ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા અપાયેલો સર્વજીવહિતાવહનો એ જ સંદેશો વર્તમાન સમયમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઘણી બઘી સંસ્થાઓ તેમજ અન્ય ઘણી બધી સંસ્થાઓ સમાજ હિતલક્ષી કાર્યો કરીને જન-જન સુધી પહોંચાડી રહ્યા છે. એમાંની એક સંસ્થા એટલે કે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા. આ સંસ્થાના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના સંકલ્પથી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ નહીં પરંતુ આખાય ભારતીય સમાજ માટે ગૌરવની વાત છે.
કોઈપણ સંકલ્પ ઉદ્ભવવાની પાછળ કોઈ ચોક્કસ કારણ જરૂર હોય છે. મને અને તમને ચોક્કસપણે એવો પ્રશ્ન થાય કે, ` પૂજ્ય ગુરુજીના હૃદયકમળમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણનો સંકલ્પ કેવી રીતે ઉદ્ભવ્યો હશે..?'
ગત કોરોના વૈશ્વિક મહામારીનો સામનો આપણે સહુ કોઈએ કર્યો. જેમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. આ મહામારીમાં આપણે સહુ કોઈ જાણીએ જ છીએ કે કોરોના દર્દી માટે હોસ્પિટલોમાં જગ્યા ન હતી. ઓક્સિજનના બાટલા મળવા મુશ્કેલ હતા અને કદાચ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનના બાટલા મળી પણ જાય તો આર્થિક રીતે બહુ ખર્ચ કરવો પડતો. આવા સમયે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા એવમ સુરતમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણના સંસ્થાપક તેમજ મારા ને તમારા જેવા કરોડો યુવાનો અને વિશાળ જન સમુદાયને પરોપકારી જીવન કેળવવા માટેના પાઠ શીખવનાર, જેમના હૃદયમાં સદાયને માટે દેશપ્રેમ રહ્યો છે અને ભારતીય માનવ સમાજના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા સદગુરુવર્ય શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના હૃદયકમળમાં આ બધી પરિસ્થિતિ જોઈને ` માનવ સેવા પરમો ધર્મ..' એ ન્યાયે દેશસેવા તેમજ માનવ સમાજના કલ્યાણ માટે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં કોરોના સારવાર કેન્દ્ર આરંભ કરવા માટેનો શુભ સંકલ્પ થયો.
શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં આમંત્રિત મહેમાનો તેમજ હરિભક્તોના ઉતારા માટે તાજેતરમાં જ નવનિર્માણ કરાયેલ શ્રી ઘનશ્યામ ભુવન બિલ્ડીંગ જેમાં એક બેઈઝમેન્ટ સાથે ચાર ફ્લોર અને ૬૦ જેટલા રૂમોની સુવિધા છે.
આ ઘનશ્યામ ભુવનમાં કોરોના સારવાર કેન્દ્ર આરંભ કરવાનો સંકલ્પ કર્યો. તેથી તે વિસ્તારના કલેકટર સાહેબશ્રી ને પત્ર લખી જણાવતા કહ્યું કે, ` આ કોરોના મહામારીની સમસ્યામાં જો આપને જરૂર જણાય તો શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં શ્રી ઘનશ્યામ ભુવન બિલ્ડીંગ કોરોના સારવાર કેન્દ્ર તરીકે ખોલી આપીશું. ' કલેક્ટર સાહેબશ્રી એ જરૂરિયાત મુજબ ૧૦૦ બેડની માંગણી કરી. અને તારીખ ૧૧/૦૪/૨૦૨૧ ના રોજ શ્રી ઘનશ્યામ ભુવન કોરોના સારવાર કેન્દ્ર તરીકે કોરોના દર્દી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આશરે દોઢેક મહિના સુધી આ કોરોના સારવાર કેન્દ્ર ચાલ્યું. જેમાં દર્દીનારાયણની સેવામાં સંતોએ, ઘણા હરિભક્તોએ, વિદ્યાર્થીમિત્રોએ તેમજ ત્યાં કાર્ય કરી રહેલા કર્મચારીઓએ પોતાના જીવના જોખમે સારો એવો સહયોગ આપ્યો.
કોરોના સારવાર કેન્દ્રમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ અને તેમની સાથે આવેલ તેમના કુટુંબીજનોને તેમજ કોરોના સારવાર કેન્દ્રની આખીયે ડોક્ટર ટીમ તેમને ત્રણ ટાઈમ ભોજન સાથે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સાથે ઓક્સિજનના બાટલા, દવા તેમજ તમામ સારવાર સાવ નિ:શુલ્ક.
સાજા થઈ રહેલા કોરોનાના દર્દીઓ તેમજ તેમના કુટુંબીજનોના આંખમાં હરખના આંસુ હતા. લોકો ખૂબ જ રાજી થયા. જેમાં ઘણા એવા લોકો પણ હતા કે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય અને આ કપરી પરિસ્થિતિમાં તેમને બહાર સાવ નિ:શુલ્ક સારવાર મળવી લગભગ મુશ્કેલ હોય. છતાં પણ જે લોકોની પરિસ્થિતિ આર્થિક રીતે સારી હતી એ લોકોએ પોતાની ઈચ્છાશક્તિ મુજબ પોતે સામેથી સંસ્થામાં ધનથી સેવા કરી. આ બધા જ લોકોના હૃદયના ઉદગારો સાંભળીને તેમજ આંખમાં હરખના આંસુરૂપી છલકાતા રાજીપાને જોઈને સદગુરુવર્ય શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના હૃદય કમળમાં રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્ય સમક્ષ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ નવનિર્માણ કરવાનો શુભ સંકલ્પ થયો. જેમાં ગરીબો સાવ નજીવા તેમજ સસ્તા દરે સારવાર કરાવી શકશે અને એ પણ આધુનિક ટેકનોલોજીના સાધનોએ યુક્ત. આ હોસ્પિટલમાં સારવાર લઈ અનેક લોકોની આંતરડી ઠરે એવા શુભ આશયથી ધ્રાંગધ્રા શહેરમાં આ વિશાળ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુદેવ એમની કથામૃતમાં હંમેશા કહે છે - `દીન દુઃખીના આંસુ લૂછવા કરતા, એમના આંસુને પોતાની આંખમાં લેવાનો પ્રયત્ન કરવો. ' અને આ હોસ્પિટલના નવનિર્માણનો પ્રયત્ન પણ ગુરુજીએ બતાવેલ આદર્શો તરફ જ છે.

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની વિશાળતા અને વિશેષતા :

૧૫ કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહેલી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ૯૦૦૦ સ્ક્વેર મીટર જેટલાં વિશાળ ક્ષેત્રફળમાં ઊભી થશે. જેમાં જનરલ સર્જરી વિભાગ, જનરલ OPD (M.D. ફીજીશીયન), હાડકા અને સાંધાનો વિભાગ, ગાયનેક વિભાગ (પ્રસુતી વિભાગ), બાળકોનો વિભાગ +NICU, ડાયાલીસીસ સેન્ટર, કીડનીનો વિભાગ, આંખનો વિભાગ, દાંતનો વિભાગ, ફિજીયોથેરાપી વિભાગ, મેડીકલ સ્ટોર, લેબોરેટરી વિભાગ, સોનોગ્રાફી વિભાગ, X-રે વિભાગ, આર્યુવેદિક વિભાગ, ઈમરજન્સી વિભાગ, I.C.U. વિભાગ, એમ્બ્યુલન્સ સુવિધા (મો. નંબર - ૭૫૧૦૮ ૩૦૧૦૮), ૫ મોડ્યુલર / જનરલ ઓ.ટી., અને ૧૦૦ બેડની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આગામી તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ થી લઈને ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાને આંગણે રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજનો સાતમો વાર્ષિક પાટોત્સવ એવમ છેલ્લા દિવસે એટલે કે ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ભવ્ય શાકોત્સવ તદુપરાંત શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસવિધિ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
આવા શુભ પર્વ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય રાજકીય અને સામાજિક શ્રેષ્ઠિઓ પધારવાના છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા પરિવાર વતી આપને તથા આપના સહ પરિવારને પાટોત્સવ, ભવ્ય શાકોત્સવ એવમ હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં પધારવા ભાવભીનું હાર્દિક આમંત્રણ છે. જરૂરથી પધારજો હો...
આ નવનિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં શ્રી ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગૃપ) અને શ્રી અરજણભાઈ ધોળકિયા (SRK) જેવા દાનવીરોએ દાનથી, તેમજ આરોગ્ય ક્ષેત્ર અને મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો પોતાની કળા- કૌશલ્યતાથી યોગદાન આપી રહ્યા છે. તો ચાલો હવે રાહ શેની..! આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે તન, મન અને ધનથી જે પણ શક્ય હોય એ સેવા અવશ્ય સેવા કરીએ.

" સંકલ્પ ગુરુદેવનો, સહકાર આપણા સૌનો..."

હેત પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ...

 
 લેખક 
~ મિત [ ભૂતપૂર્વ વિદ્યાર્થી ]
(meetpatel11150@gmail.com)


[ નોંધ : ઘણા બધા સામયિકો દ્વારા આ લેખમાંથી ગમતા પ્રસંગો અને માહિતી પોતાના સામયિકમાં લીધેલ છે જે બાબતે મારી પૂર્ણ સંમતિ છે અને કોઈપણ પ્રકારનો કોપીરાઈટ લાગુ કરેલ નથી. આપણા સૌનો હેતુ એક જ છે કે સારો સંદેશો લોકો સુધી પહોંચાડવો. ]
 

Comments

A Very Popular Blogs

Introduction

પહેલાં વરસાદમાં વહેલું વૃક્ષારોપણ.

સગપણ તો એક પરમાત્મા સાથે...(article)

"......."